યુવાનો વળ્યા બ્લાઇન્ડ ફોલ્ડ યોગ તરફ

બ્લાઇન્ડ ફોલ્ડ યોગમાં આંખ પર  કાપડ બાંધવામાં આવે છે. જેના કારણે તમે આજુબાજુ કોણ શું કરે છે તે જોઇ શકતા નથી ને તમારું સંપૂર્ણ ધ્યાન યોગ પર જ રહે છે. આ પદ્ધતિથી યોગ કરવા યુવાનોને વધુ પસંદ છે. આંખે માસ્ક લગાવવાથી ચારે બાજુ અંધારું થઇ જાય છે. તમને તમારી આસપાસનું કશું જ દેખાતું નથી. જેથી ધ્યાન બીજે ક્યાંય ખેંચાતું નથી અને વ્યક્તિ નેચરલી શ્વાસ લેવા, હોલ્ડ કરવા અને કાઢવાની પ્રક્રિયાને ફૉલો કરતી થઇ જાય છે.

આ સંદર્ભે વાત કરતા યોગ કલાસીસ ચલાવતાં પ્રજ્ઞાબહેન કહે છે કે, “આજકાલ યુવાનો નાનીનાની વાતોનું ટેન્શન અને સ્ટ્રેસ લેતા થયા છે. ત્યારે લયબદ્ધ રીતે યોગ કરવામાં આવે તો તે અકસીર પુરવાર થાય છે. તેમાં પણ બ્લાઇન્ડ ફોલ્ડ યોગ સૌથી સારું સ્ટ્રેસ બુસ્ટર છે. બંધ આંખે કરવામાં આવતા યોગથી મગજ ખૂબ શાંત થાય છે. જોકે આપણે ત્યાં હજુ આ યોગ પ્રત્યે જોઇએ તેટલી જાગૃતિ નથી આવી. હજુ આપણા માટે બ્લાઇન્ડ ફોલ્ડ યોગની શરૂઆત જ કહેવાય. છતાં જે યુવાવર્ગ છે તે આવું નવું અવતરણ કરવા આતુર હોય છે. જેના કારણે આ યોગ ધીમેધીમે લોકપ્રિય બની રહ્યા છે.”

મેઘના અભિમન્યુ કહે છે કે, “યોગ શરીરને સંતુલિત રાખવાની સાથેસાથે મનને પણ શાંત રાખવામાં અસરકારક રીતે ઉપયોગી છે. મને યોગ કરવામાં પહેલેથી જ રસ છે. મેં કોઇ યોગ ક્લાસ જોઇન્ટ નથી કર્યા પરંતુ નિયમિતપણે યોગ કરું છું. બ્લાઇન્ડ ફોલ્ડ યોગ વિશે સોશિયલ મીડિયા દ્વારા ઘણું જાણ્યું છે ને માટે જ આ યોગ પણ મેં શરૂ કર્યા છે. શરૂઆતમાં આ રીતે યોગ કરવામાં થોડી મુશ્કેલી પડે છે પણ જેમજેમ પ્રેક્ટિસ થાય તેમતેમ આ યોગ કરવામાં મજા આવે છે. મારી સાથે મારા બે-ત્રણ મિત્ર પણ આ યોગ કરે છે. અમને આ નવો પ્રયોગ ગમે છે.” જ્યારે પીયૂષ પારેખ કહે છે કે, “જિમમાં જઇને સિક્સ પેક બનાવવાની મજા જ કંઈક અલગ હોય છે. છતાં સબ રોગ કી દવા યોગ છે. યોગથી બોડીમાં એક નવી જ ચેતના જાગે છે અને હવે તો યોગ માટે દરેક વર્ગ આગળ આવી રહ્યો છે. તેમાં હવે બ્લાઇન્ડ ફોલ્ડ યોગથી એક નવી અનુભૂતિ થાય છે. જોકે હજુ યોગા કલાસીસમાં આ યોગ વિશે ધીમેધીમે જાણકારી વિસ્તરી રહી છે.”

આંખે પાટા બાંધીને યોગાભ્યાસ કરવાથી અન્ય ઈન્દ્રિયો સતેજ થાય છે, એકગ્રતા વધે છે, શરીર સંતુલન બને છે. બોડી અને માઇન્ડ વચ્ચેનું કનેક્શન સુધરે છે. યુવાનોમાં આ યોગને લઇને ઘણો ક્રેઝ જોવા મળે છે.

You might also like