કાયદાની આંટીઘૂંટી ઉકેલતા અંધ એડવોકેટ

ગીર સોમનાથ જિલ્લાના તાલુકામથક કોડીનારમાં રહેતા ૭૩ વર્ષીય વકીલ ભાનુભાઈ ઉપાધ્યાય દ્રષ્ટિહીન છે. પ્રક્ષાચક્ષુ હોવા છતાં કાયદાની આંટીઘૂંટી ઉકેલીને તેઓ ઉત્કૃષ્ટ વકીલાત કરી જાણે છે. ભાનુભાઈના જીવનમાં આવેલી મુશ્કેલીથી લઈને તેમણે મેળવેલી સફળતા સુધીની વાત અનેરી અને પ્રેરણાદાયી છે.

ભાનુભાઈના જન્મ પહેલાં જ તેમના પિતા દયાશંકરભાઈનો સ્વર્ગવાસ થયો હતો. જન્મ બાદ માતા પાનકુંવરબહેન અને દાદા રૂગનાથભાઈએ ભાનુભાઈનો ઉછેર કર્યો. તેઓ પ્રાથમિક શાળામાં હતા ત્યારે જ તેમની બંને આંખમાં માઈનસ ૧૨ નંબર હતા.

આમ, તેમની દ્રષ્ટિ પહેલેથી જ નબળી હતી. બોર્ડ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ કાકા જન્મશંકર અને પ્રાણશંકરભાઈના હાર્ડવેરના ધંધામાં જોડાઈ ગયા. એ દરમિયાન ૧૯૭૧માં તેમનાં લગ્ન માલતીબહેન સાથે થયાં. માલતીબહેને ભાનુભાઈને વધુ અભ્યાસ કરવા પ્રેર્યાં આથી તેમણે રાજકોટમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ૧૯૭૩માં વકીલાત કરવા સનદ મેળવી.

આંખોની દ્રષ્ટિ નબળી પડતી જતી હોવા છતાં તેમણે હિંમત હાર્યા વગર મુળ વતન કોડીનારમાં આવીને વકીલાતની પ્રેક્ટિસ શરૂ કરી. કોઈ સિનિયર એડવોકેટ હેઠળ જુનિયરશિપ કરવાને બદલે કોર્ટના રેકર્ડરૂમમાં જઈને અલગઅલગ કેસનો અભ્યાસ કરવો તેમને વધુ પસંદ હતો. કાયદા ઉપરાંત સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના વિવિધ ચુકાદાનો તલસ્પર્શી અભ્યાસ કર્યો, ઉપરાંત બૌદ્ધિક વકીલો અને જજના ચુકાદાનો પણ અભ્યાસ કર્યો.

૧૯૮૪માં તેઓ આંખના ઓપરેશન માટે અમદાવાદ ખાતે રેટિના સ્પેશ્યાલિસ્ટ પાસે આવ્યા. જ્યાં ઓપરેશન કરાયું, પરંતુ તેમની આંખોનું ઓપરેશન અસફળ રહેતા તેમણે બંને આંખો ગુમાવવી પડી હતી. આ અણધારી આવી પડેલી આફતથી તેઓ થોડા નબળાં પડી ગયા અને નર્વસ થઈને છ માસ સુધી ઘરે બેસી રહ્યાં.

જોકે મિત્રો અને પરિવારની પ્રેરણા, હૂંફ અને સહયોગથી ભાનુભાઈએ મન મક્કમ બનાવ્યું અને ફરીથી વકીલાત કરવાની શરૂઆત કરી. તેમની પત્ની કહે છે, “આંખો ગુમાવ્યા પછી જ્યારે ભાનુભાઈએ વકીલાતની શરૂઆત કરી ત્યારે ઘરમાં જ ઓફિસ શરૂ કરી. એ પછીથી તેમના મજબૂત મનોબળે જ કપરી પરિસ્થિતિમાં પરિવારને બચાવી રાખ્યો છે.”

ભાનુભાઈને વકીલાતમાં મદદરૂપ થનાર અને વડોદરાની એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના નિવૃત્ત જજ બી. એલ. જાદવ કહે છે, “મારી નજરે ભાનુભાઈ જેવા કોઈ વકીલ નથી. તેઓ જમીન-મકાન સહિતના મિલકત સંદર્ભના સિવિલ કેસ અને જીવલેણ હુમલો, ખૂન સંદર્ભના ક્રિમિનલ કેસ પણ લડી લે. કોર્ટમાં જુબાની વખતે તેઓને તમામ બાબત કંઠસ્થ રહેતી હોવાથી તેઓ ધારદાર દલીલો કરતા.”

ભાનુભાઈ સાથે વકીલાત કરનાર વકીલ એલ. પી. દાહીમા કહે છે, “ભાનુભાઈએ બંને આંખો ગુમાવ્યા બાદ પણ વકીલાતની પ્રેક્ટિસ ચાલુ રાખીને ગુજરાતી-અંગ્રેજીમાં કેસ લડવામાં પાવરધા બન્યા હતા.”

ભાનુભાઈ પાસે જુનિયરશિપ કરનાર અને હાલ કોડીનાર બાર એસોસિયેશનના પ્રમુખ વિજયભાઈ ખખ્ખર તેમનાથી જબરદસ્ત પ્રભાવિત છે. તેઓ કહે છે, “જેમણે બંધ આંખોથી પણ વકીલાતની દુનિયામાં તેજોમયતા બક્ષી તેવા ભાનુભાઈ આક્રમકતા દાખવીને પોતાના કેસ લડતા હતા.”

ભાનુભાઈના ત્રણેય પુત્રો હાલમાં ઉચ્ચપદે બિરાજમાન છે. વિપરીત પરિસ્થિતિમાં પણ અથાગ મહેનત અને આત્મવિશ્વાસથી જિંદગી સામે ઝઝૂમવાની જે તાકાત ધરાવે છે તેને ખરા અર્થમાં ખ્યાતિ પ્રાપ્ત થાય છે તે ભાનુભાઈએ સાબિત કરી બતાવ્યું.

કેવલ દવે

You might also like