વિસ્ફોટકો સાથે આતંકી ઘૂસ્યા હોવાના અહેવાલના પગલે એલર્ટ જારી

અમદાવાદ: વિસ્ફોટકોના બોક્સ સાથે પાકિસ્તાની આતંકવાદી કચ્છ તરફ આવી રહ્યા હોવાના સેન્ટ્રલ આઇબીના ઇનપુટના પગલે તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે અને કચ્છમાં એલર્ટ જાહેર કરી તમામ રસ્તા ઉપર નાકાબંધી કરી દેવામાં આવી છે અને આવતા જતાં તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

પ્રાપ્ત અહેવાલ પ્રમાણે ભારતીય જળ સીમામાં જખૌ નજીકથી આતંકવાદીઓ ચારથી પાંચ જેટલા વિસ્ફોટક ભરેલા બોક્સ સાથે એસયુવી કારમાં કચ્છ તરફ આવી રહ્યા છે તેવા ઇનપુટ સેન્ટ્રલ આઇબીએ ગુજરાત આઇબીને આપતાં આજે વહેલી સવારથી જ દિલ્હી આઇબીની તાકીદ મુજબ કચ્છમાં એલર્ટ જાહેર કરી દેવાયું હતું અને કચ્છમાં જળ સીમા તેમજ તમામ હાઇવે પર સજ્જ નાકાબંધી કરી દેવામાં આવી હતી અને ઠેરઠેર પોલીસની ટીમ તહેનાત કરી આવતાં જતા તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરી દેવાયું હતું.

ખાસ કરીને ગાંધીધામમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં પોલીસના ધાડાં ઉતારી દઇ ચાંપતી નિગરાની રાખવામાં આવી રહી છે અને તમામ સુરક્ષા એજન્સીઓને કચ્છમાં સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like