ચીનમાં કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટઃ ૪૪નાં મોત

(એજન્સી) બીજિંગ: પૂર્વ ચીનના યાન્ચેંગમાં ગઈ કાલે એક કેમિકલ પ્લાન્ટમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. તેમાં અત્યાર સુધી ૪૪ લોકો મૃત્યુ પામ્યા છે. ૩૨ની હાલત ગંભીર છે. જ્યારે ૫૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઈમર્જન્સી ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે બ્લાસ્ટવાળી જગ્યાથી ૮૮ લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે.

લોકલ મીડિયા પર વીડિયો અને તસવીરોમાં પ્લાન્ટમાં ભીષણ બ્લાસ્ટ થતો દેખાય છે. પ્લાન્ટમાંથી આગની જ્વાળાઓ નીકળી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ બ્લાસ્ટ ગુરુવારે બપોરે લગભગ ૩.૦૦ વાગ્યે થયો હતો. પ્લાન્ટમાં કેટલાક લોકો ફસાયા છે. તેમાંથી ૧૨ લોકોને બચાવી લેવાયા છે.

પ્લાન્ટમાં હજુ પણ કેટલાક કર્મચારીઓ ફસાયા હોવાની આશંકા છે. બ્લાસ્ટના કારણે કેટલીક ઈમારતો પણ ક્ષતિગ્રસ્ત થઈ છે અને આસપાસના રહેણાક વિસ્તારોમાં મકાનોના કાચ પણ તૂટી ગયા છે. કેટલાક લોકોએ જણાવ્યું હતું કે બ્લાસ્ટ બાદ લોહીથી લથપથ કર્મચારીઓ પ્લાન્ટમાંથી બહાર ભાગતા દેખાયા હતા. ગયા વર્ષે નવેમ્બર માસમાં ઉત્તર ચીનમાં કેમિકલ લઈ જઈ રહેલા ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ૨૩ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૨૨ લોકો ઘાયલ થયા હતા.

જુલાઈ ૨૦૧૮માં શિહુઆન પ્રોવિન્સમાં એક કેમિકલ પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ૧૯ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૧૨ ઘાયલ થયા હતા. ઘટનાની તપાસમાં સામે આવ્યું કે કંપનીને સુરક્ષા સર્ટિફિકેટ મળ્યું ન હતું અને ગેરકાયદે રીતે નિર્માણ પણ ચાલી રહ્યું હતું. ૨૦૧૫માં ટિયાન જીન શહેરમાં થયેલા કેમિકલ બ્લાસ્ટમાં ૧૬૫ લોકો મૃત્યુ પામ્યા હતા. આ બ્લાસ્ટ એક સ્ટોરેજ ફેક્ટરીમાં થયો હતો.

You might also like