આસામમાં ભાજપ કાર્યાલય પાસે બોમ્બ વિસ્ફોટઃ બેનાં મોત

ગુવાહાટી: આસામમાં વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ ચરણનું જંગી મતદાન શાંતિપૂર્વક સમાપ્ત થયા બાદ ઢળતી સાંજે રાજ્યના ગ્વાલપાડા જિલ્લામાં ભાજપ કાર્યાલય પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં બેનાં મોત થયાં હતાં અને ર૧થી વધુ ઘાયલ થયા હતા. ગ્વાલપાડામાં જોકે બીજા તબક્કામાં ૧૧ એપ્રિલે મતદાન યોજાનાર છે.

આ બોમ્બ વિસ્ફોટમાં પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. ગ્વાલપાડાના ડીએસપી નીતુલ ગોગોઇએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં એવું લાગતું હતું કે હુમલા પાછળ ઉલ્ફાનો હાથ છે. આ વિસ્ફોટ દ્વારા પોલીસ અને સામાન્ય લોકોને નિશાન બનાવવામાં આવ્યા છે. ઘાયલો પૈકી ૧૪ની હાલત ગંભીર છે.

ગ્વાલપાડા જિલ્લાના દૂધનોઇ વિસ્તારમાં આઇડી વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ સ્થળથી પ૦૦ મીટર જ દૂર પોલીસ સ્ટેશન અને બાજુમાં જ ભાજપનું કાર્યાલય આવેલ છે. અહેવાલો અનુસાર કચરાપેટીમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો. આ બોમ્બ વિસ્ફોટમાં બે દુકાનોને પણ નુકસાન પહોંચ્યું હતું. વિસ્ફોટના કારણે સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાઇ ગઇ હતી.પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી દીધી છે. પોલીસે મૃતકોને બપોનશાહ અને અજિત દત્તા તરીકે ઓળખી કાઢયા હતા.

You might also like