કિર્ગિસ્તાનમાં ચીનના દૂતાવાસ પાસે કાર બોમ્બ વિસ્ફોટઃ અનેકનાં મોતની આશંકા

બિશ્કેક (કિર્ગિસ્તાન): મધ્ય એશિયાઈ દેશ કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં આવેલા ચીનના દૂતાવાસની બહાર આજે સવારે એક પ્રચંડ આત્મઘાતી કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. પ્રાથમિક અહેવાલો અનુસાર આ વિસ્ફોટમાં અનેક લોકોનાં મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વિસ્ફોટના કારણે ભારે ભાગદોડ અને અફરાતફરી મચી ગઈ હતી. લોકો ગભરાટના માર્યા જીવ બચાવવા દોડી રહ્યા હતા. વિસ્ફોટનો અવાજ કેટલાય કિલોમીટર સંભળાયો હતો. વિસ્ફોટમાં અસંખ્ય લોકોની ઘાયલ થયાની દહેશત છે.

સમાચાર એજન્સીઓના અહેવાલ અનુસાર જણાવ્યું છે કે સ્થાનિક ઈમર્જન્સી મિનિસ્ટ્રીએ ચીનના દૂતાવાસની બહાર પ્રચંડ કાર વિસ્ફોટ થયો હોવાના સમાચારો આપ્યા છે. ‘રશિયા ટુડે’ના અહેવાલ અનુસાર કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક સ્થિત ચીની દૂતાવાસના એક ગેટને તોડીને વિસ્ફોટકોથી ભરેલી કાર અંદર ઘૂસી આવી હતી અને ત્યાર બાદ પ્રચંડ વિસ્ફોટ થયો હતો.

આ વિસ્ફોટમાં અનેક લોકોનાં મોત અને ઘાયલ થયા હોવાના અહેવાલો છે. એવું કહેવાય છે કે આ વિસ્ફોટમાં કાર ડ્રાઈવરનું સ્થળ પર જ મોત થયું હતું. આ બનાવના સાક્ષીના જણાવ્યા પ્રમાણે ઘાયલ થનારા ત્રણ લોકોમાં દૂતાવાસના બે કર્મચારીઓનો સમાવેશ થાય છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કેટલાય કિ.મી. સુધી તેનો અવાજ સંભળાયો હતો.

You might also like