૨૫ લાખ અાપો નહીં તો તમારી પુત્રીના બીભત્સ ફોટા વાઈરલ કરી દઈશ

અમદાવાદ, શુક્રવાર
તમારી પુત્રીના બિીભત્સ ફોટા મારી પાસે છે. અા બધા ફોટા હું સોશિયલ મીડિયા પર મૂકી બદનામ કરી દઈશ તેમ કહી રૂ.૨૫ લાખની ખંડણી માગવામાં અાવી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. પોલીસે અારોપી યુવકને ઝડપવા તજવીજ શરૂ કરી છે.

જામનગરમાં વિજયભાઈ તેમના પરિવાર સાથે રહે છે. તેમની ૧૯ વર્ષીય પુત્રી સ્નેહા અમદાવાદ એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં એમ.બી.અેમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. હાલમાં તે બોડકદેવમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહે છે. ૩ માર્ચના રોજ વિજયભાઈના મોબાઈલ પર અજાણ્યા નંબર ઉપરથી તેમની પુત્રી સ્નેહાના બીભત્સ ફોટા વોટ્સઅેપ પર અાવ્યા હતા.

વિજયભાઈઅે તે નંબર ઉપર ફોન કરતાં સામેવાળી વ્યક્તિઅે જણાવ્યું હતું કે તે સ્નેહાનો મિત્ર હર્ષ વાત કરે છે. મેં જે ફોટા તમને વોટ્સઅેપ કર્યા છે તેવા ઘણા ફોટા મારી પાસે છે. અને અા બધા ફોટા સોશિયલ મીડિયા પર મૂકી તમારી દીકરી અને તમને બદનામ કરી દઈશ. જો તેમ ન કરવું હોય તો રૂપિયા ૨૫ લાખ મને અાપી દો.

અા અંગે વિજયભાઈઅે તેમની પુત્રી સ્નેહાને પૂછતાં હર્ષ દીપકભાઈ મદલાણી (રહે. પાંચવાળી પોળ, પોરબંદર, હાલ રહે વિજય ચાર રસ્તા, અમદાવાદ) બી.બી.અેમાં અભ્યાસ કરે છે અને તે મારો મિત્ર છે. હર્ષ ઘણીવાર તેના મિત્રો સાથે મળવા માટે તેને હોટલે બોલાવતો હતો અને ત્યાં હર્ષે કેવી રીતે ફોટા પાડી દીધા તેની ખબર ન હોવાનું સ્નેહાઅે તેના પિતાને જણાવ્યું હતું.

બીજી વાર હર્ષે દીપકભાઈને ફોન કરીને રૂપિયા ૨૫ લાખની માગ કરી હતી. જેથી વિજયભાઈઅે તાત્કાલિક અાટલા પૈસાની સગવડ ન થઈ શકે તેમ કહી પાંચ દિવસનો સમય માગ્યો હતો. વિજયભાઈઅે અા અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ અાપી હતી કે હર્ષ મદલાણી બ્લેકમેલિંગ કરી અને સ્નેહાને વસ્ત્રાપુર ખાતે કોઈ હોટલમાં મળવા બોલાવી તેના બીભત્સ ફોટા પાડી અને વોટ્સઅેપથી સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી અાપે છે અને રૂપિયા ૨૫ લાખની માગ કરે છે. ક્રાઈમ બ્રાન્ચે અારોપી હર્ષ મદલાણીને ઝડપવા તજવીજ હાથ ધરી છે. (અારોપી સિવાયનાં નામ બદલ્યાં છે.)

You might also like