કાળી પડેલી ત્વચાને ડી-ટેનથી નિખારો

ઉનાળામાં તડકાને કારણે ત્વચા કાળી પડી જવાની સમસ્યા લગભગ દરેક યુવક અને યુવતીને સતાવે છે. ખાસ કરીને હવે જ્યારે યુવાનો કરિયર ઓરિએન્ટેડ બન્યા છે ત્યારે ઓફિસ સહિતના કામથી બહાર ફરવાનું વધુ રહેતું હોય છે અને તેના કારણે ત્વચા પર સીધી જ અસર થાય છે. આકરા તાપને કારણે કાળી પડેલી ત્વચાને ડી-ટેન ટ્રીટમેન્ટથી ફરી નિખારી શકાય છે.

આ અંગે ટિપ્સ આપતાં ફેબ્યુલસ બ્યુટી કેરનાં નેહા ત્રિવેદી જણાવે છે કે, “ઉનાળામાં થોડીક કાળજી લેવામાં આવે તો સ્કિનને ટેન થતી બચાવી શકાય છે. આ માટે શક્ય હોય તો બપોરના આકરા તાપમાં બહાર નીકળવાનું ટાળો. અત્યંત જરૂરી હોય તો સુતરાઉ અને ફુલ સ્લીવનાં કપડાં પહેરીને જ બહાર નીકળો. બહાર નીકળતા પહેલાં પુષ્કળ પાણી પીને નીકળો. બ્લીચ લગાવીને ડી-ટેન ક્યારેય પણ ન કરો. સેન્સિટિવ સ્કિન હોય તો ઘરગથ્થુ ઉપાય તરીકે મધ, લીંબુનાં થોડાં ટીપાં અને હળદર મિક્સ કરીને ચહેરા પર કે પછી કાળા પડી ગયેલા ભાગ પર લગાવો.

ડી-ટેન ટ્રીટમેન્ટ શું છે?
ડી-ટેન મુખ્યત્વે ત્વચાનું ટેનિંગ એટલે કે કાળાશ દૂર કરે છે. તડકામાં ફરવાને કારણે કાળી પડી ગયેલી ત્વચા તેમજ ખીલ કે અન્ય કોઈ કારણસર શરીર પર પડેલાં ચાઠાં, ચકામાં, ડાઘને પણ ડી-ટેનથી દૂર કરી શકાય છે. જો આ પ્રકારના ડાઘ બહુ જૂના હોય તો તેને ડી-ટેનથી આછા કરી શકાય છે અને તાજા ડાઘ હોય તો તેવા સંજોગોમાં તેને પૂર્ણપણે દૂર પણ કરી શકાય છે. ડી-ટેન બ્લીચ કરતા માઈલ્ડર ટ્રીટમેન્ટ છે. જો તમે બોડી પૉલિશિંગ કરાવવા ઈચ્છતા હોવ તો પહેલાં ડી-ટેન જરૂર કરાવો. તેનાથી ત્વચાનો નિખાર વધી જશે.

ડી-ટેન ક્યાં કરાવી શકાય?
આ ટ્રીટમેન્ટ મુખ્યત્વે ચહેરા પર કરાવાતી હતી, પરંતુ હવે બેક,નેક, અંડરઆર્મ્સ અને આખા શરીર પર પણ કરાવાય છે. શરીર પરના ડાઘ દૂર કરવા માટે જ્યારે ડી-ટેન ટ્રીટમેન્ટ લેવામાં આવતી હોય ત્યારે બે સીટિંગ વચ્ચે ઓછામાં ઓછા ૨૨ દિવસનો ગાળો રાખવો જોઈએ. ડી-ટેન સિન્થેટિક અને હર્બલ એમ બે પ્રકારમાં ઉપલબ્ધ છે.

ડી-ટેન ટ્રીટમેન્ટ
ડી-ટેન ટ્રીટમેન્ટ કરાવતા પહેલાં જે ભાગ પર આ ટ્રીટમેન્ટ કરવાની હોય તે ભાગને ક્લીન્ઝરથી સાફ કરો. બાદમાં ડી-ટેન ૧૫થી ૨૦ મિનિટ સુધી તે ભાગ પર લગાવી રાખો. બાદમાં હળવા હાથે તે ભાગ પર પાણીવાળો હાથ ફેરવી મસાજ કરો અને મસાજ કરીને લગાવેલું ડી-ટેન પાણીથી દૂર કરો.

જો તમારી ત્વચા સેન્સિટિવ હોય તો ડી-ટેન કરાવતા પહેલાં થોડું ડી-ટેન ક્રીમ કાનના પાછળના ભાગે ૨૦ મિનિટ સુધી લગાવી રાખો. તે દરમિયાન જો ત્વચા પર કોઈ રિએક્શન ન આવે તો જ ટ્રીટમેન્ટ કરાવો. સિન્થેટિક ડી-ટેન લાંબાગાળે ત્વચા માટે નુકસાનકારક સાબિત થાય છે. તે સતત કરાવવામાં આવે તો લાંબા ગાળે ત્વચા પીળી પડી જાય છે. તેના વિકલ્પ તરીકે હર્બલ ડી-ટેન પસંદ કરી શકાય.

સોનલ અનડકટ

You might also like