ચૂંટણીમાં કાળાં નાણાંનો રેકોર્ડઃ અત્યાર સુધીમાં રૂ ૩,૦૦૦ કરોડ જપ્ત કરાયા

ચૂંટણી આયોગની લાખ કોશિશ છતાં પણ આ વખતે લોકસભા ચૂંટણીઓ દરમિયાન કાળું નાણું જપ્ત કરાયાનો રેકોર્ડ બની રહ્યો છે. સમગ્ર દેશમાં જે રીતે આ વખતે કાળાં નાણાંથી લઈને ડ્રગ્સ સુધીનો ચૂંટણીમાં ઉપયોગ થઈ રહ્યો છે તેના ઉપર પ્રતિબંધ લગાવવાના દાવા ફરી એક વાર ખોટા સાબિત થયા છે.

૨૬ એપ્રિલ સુધી આખા દેશમાં ૩,૦૦૦ કરોડથી વધુ કેશ કે અન્ય વસ્તુઓ પકડાઈ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શરૂઆતના તબક્કામાં નોટનો પ્રભાવ દેખાયા બાદ આયોગે નિયમો કડક બનાવ્યા છે.

ચૂંટણીપંચે ખર્ચ પર નજર રાખનાર તમામ અધિકારીઓને દરેક શંકાસ્પદ લેવડદેવડ અને રાજકીય પક્ષોના ખર્ચ પર સખત દેખરેખ રાખવા કહ્યું છે. દરેક સંસદીય ક્ષેત્રમાં રાજ્યના હિસાબથી એક ઉમેદવારને ૫૦થી ૭૫ લાખ ખર્ચવાની અનુમતી હોય છે, પરંતુ જે રીતે ખુદ ચૂંટણીપંચે માન્યું છે કે આ વખતે રેકોર્ડ સંખ્યામાં અત્યાર સુધી સેંકડો કરોડ રૂપિયા જપ્ત થયા છે, તેનાથી એક વાર ફરીથી સમગ્ર સિસ્ટમની સમીક્ષા કરવાની જરૂર પડી છે.

૧૯ મે સુધી આ આંકડો ૧૦,૦૦૦ કરોડ સુધી જઈ શકે છે. હજુ ૨,૦૦૦ કરોડ રૂપિયા વધુ જપ્ત થયા છે, પરંતુ તેની નોંધણી કરવાની બાકી છે. એક એનજીઓ રિપોર્ટ મુજબ આ વખતે દેશની લોકસભા ચૂંટણીઓમાં એક લાખ કરોડથી વધુ ખર્ચ કરાયાનું અનુમાન છે.

You might also like