કાળાં નાણાં જાહેર કરવાની સ્કીમની જાગૃતિ માટે વેપારી એસોસિયેશન આગળ આવ્યાં

અમદાવાદ: કેન્દ્ર સરકારે ઇન્કમટેક્સ ડેક્લેરેશન સ્કીમ-૨૦૧૬ યોજના અમલમાં મૂકી છે. આ યોજનાની વિસ્તૃત જાણકારી અને માહિતી મળે તથા વેપારીઓમાં પૂરતી સમજ મળે તે માટે વેપારી એસોસિયેશન આગળ આ‍વ્યાં છે.

શહેરનાં જુદાં જુદાં અગ્રણી વેપારી એસોસિયેશન દ્વારા આગામી સોમવારે એક જાહેર મિટિંગનું આયોજન કર્યું છે, જેમાં ઇન્કમટેક્સ વિભાગમાંથી પ્રિન્સિપલ ચીફ કમિશર ઓફ ઇન્કમટેક્સ ગુજરાતના બલબીરસિંહ હાજર રહી વેપારીઓને કાળાં નાણાં સંબંધી સ્કીમ અંગે માર્ગદર્શન આપશે તથા સ્કીમનો લાભ લેવા વેપારીઓને જરૂરી પૂરતી કાયદાકીય સમજ આપવામાં આવશે. અમદાવાદ વેપારી મહાજન, રતનપોળ કાપડ મહાજન, મસ્કતી કાપડ માર્કેટ મહાજન, પાંચકૂવા કાપડ માર્કેટ મહાજન, સિંધી માર્કેટ, ઘંટાકર્ણ માર્કેટ, ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ, હીરાભાઇ માર્કેટ તથા ન્યૂ ક્લોથ માર્કેટ મહાજન દ્વારા આ પ્રકારની બેઠકનું આયોજન કર્યું છે.

આગામી સોમવારે મસ્કતી મહાજન હોલમાં બપોરે ચાર કલાકે આવકવેરાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કાળાં નાણાં જાહેર કરવા સ્કીમ સંબંધી માર્ગદર્શન આપવામાં આવશે. આ અંગે મસ્કતી કાપડ માર્કેટ મહાજનના પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગતના જણાવ્યા પ્રમાણે કાળાં નાણાંની સ્કીમનો લાભ લેવા વેપારીઓ આગળ આવે તે માટે આ સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં આવકવેરા વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહેશે તથા વેપારીઓને આ અંગેની સીધી સમજ આપશે.

સ્કીમને નબળો પ્રતિસાદ
કાળાં નાણાં જાહેર કરવાની સ્કીમને રાજ્યમાંથી ખૂબ નબળો પ્રતિસાદ મળ્યો છે. હાલ આંગળીને વેઢે ગણાય તેટલા જ વેપારીઓ આ સ્કીમનો લાભ લેવા આગળ આવ્યા છે અને તેને કારણે ઇન્કમટેક્સ વિભાગમાં પણ ચિંતા છે. અગાઉ પણ કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલી પણ જાગૃતિ માટે વેપારી એસોસિયેશનોને મળ્યા હતા.

You might also like