બ્લેક મનીથી મોટા પાયે સોનું ખરીદનારા પર તવાઈ આવશે

અમદાવાદ: મંગળવારે રાત્રે સરકારે રૂ.પ૦૦ અને ૧,૦૦૦ના દરની ચલણી નોટો રદ કરવાનો નિર્ણય જાહેર કર્યા બાદ ગઇ કાલથી જ રાતભર જ્વેલર્સની દુકાનોમાં જાણે તડાકો પડયો હોય તેવી સ્થિતિનું સર્જન થયું હતું. જેઓ પાસે મોટા પ્રમાણમાં કાળા નાણાં હતા તેઓએ ઊંચા ભાવેે જ્વેલરીની ખરીદી કરી હતી. આજે પણ માણેકચક જ્વેલરી બજારમાં પાછલા બારણેથી સોનાનો કારોબાર થઇ રહેલો જોવા મળી રહ્યો છે. બુલિયન બજારના વેપારીઓ મન ફાવે તે રીતે ભાવ પડાવતા જોવા મળી રહ્યા છે. આજે શરૂઆતે ૧૦ ગ્રામ શુદ્ધ સોનાનો ભાવ રૂ. ૪૬ હજારથી ૪૮ હજારની સપાટીએ જોવા મળ્યો હતો.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ૧૦ ગ્રામ સોનાનો ભાવ રૂ.૪પ,૦૦૦ની સપાટીએ પહોંચી ગયો હતો. જ્વેલર્સોઅે ગ્રાહકોની ગરજ પ્રમાણે મન ફાવે તે રીતના ભાવ વસૂલ્યા હતા. જોકે સૂત્રો જણાવ્યા પ્રમાણે જે જ્વેલર્સે સોના-ચાંદીની ખરીદી સમયે ગ્રાહકો પાસે વધુ ભાવ પડાવ્યા હતા તેઓ હવે સરકારના રડારમાં આવી ગયા છે. સરકારના નિયમ મુજબ રૂ.બે લાખથી વધુની ખરીદી માટે પાનકાર્ડનો નિયમ છે, પરંતુ મોટા ભાગના જવેલર્સ દ્વારા આ નિયમનો અમલ કરાયો નહીં હોવાનું બહાર આવ્યું છે.

કેન્દ્રીય રેવન્યુ સચિવ હસમુખ અઢિયાના જણાવ્યા પ્રમાણે પ૦ દિવસની મર્યાદામાં કોઇ પણ વ્યકિત અથવા વેપારીઓ દ્વારા રૂ.ર.પ લાખથી વધારે રોકડ જમા કરાવ્યાના કિસ્સામાં જો કોઇ નિયમભંગ થયેલો જણાશે તો તેઓએ ર૦૦ ટકા સુધીનો દંડ ભરવો પડશે. આમ નિયમ મુજબ પાન નંબર નહીં લીધો હોય તે જવેલર્સ પણ હવે સરકારના રડારમાં આવી જશે. સરકારે રાતો રાત જ રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની ચલણી નોટો બંધ કરતાંની સાથે જ કાળાં નાણાં ધરાવતા લોકોની ઊંઘ હરામ થઇ ગઇ હતી. શિયાળીની ઠંડીમાં પણ તેઓને પરસેવો છૂટી ગયો હતો. બજારના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ જ્વેલરી બજારમાં મંગળવાર રાતથી બુધવાર રાત સુધીમાં પુષ્યનક્ષત્ર જેવો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ એક જ દિવસમાં રૂ.૩૦૦થી પ૦૦ કરોડનો સોનાનો કારોબાર થયો હતો.

અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ રોહિત ચોક્સીના જણાવ્યા પ્રમાણે વર્તમાન ઊભી થયેલી પરિસ્થિતિમાં જ્વેલરી બજારમાં ભારે ખરીદી જોવાઇ હતી. ખાસ કરીને બ્રાન્ડેડ જ્વેલરીનાં મોટા શો રૂમમાં ભારે ખરીદી જોવા મળી હતી. કલ્યાણ, તનિષ્ક સહિત અન્ય જ્વેલરી શો રૂમમાં પણ ખરીદીનો માહોલ જોવાયો હતો. જે જ્વેલર્સે મોટી રકમની રોકડેથી જ્વેલરીની ખરીદી કરતા સમયે પાન કાર્ડ લીધું નહીં હોય તેઓ આગામી દિવસોમાં ચોક્કસ મુશ્કેલીમાં મુકાઇ શકે છે.

You might also like