ઇજિપ્તઃ પિરામિડ પાસે પ્રચંડ બોમ્બ વિસ્ફોટઃ નવનાં મોત, ૨૦ ઘાયલ

કા‌હિરા: મિસર (ઈજિપ્ત)માં ગિઝાના પ્રાચીન પિરામિડની નજીક થયેલા એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટમાં ચાર પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા ૯નાં મોત થયાં છે અને અન્ય ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસની એક ટીમે ગિઝાના કા‌િહરા ઉપનગરમાં પિરામિડ તરફ જતા એક રસ્તાની નજીક આવેલા ત્રાસવાદીઓના અડ્ડા પર દરોડા પાડ્યા ત્યારે આ બોમ્બ વિસ્ફોટ થયો હતો.

આગામી સોમવારે જ્યારે વર્ષ ૨૦૧૧માં થયેલી ક્રાંતિની વર્ષગાંઠ છે ત્યારે આ વર્ષગાંઠની પૂર્વસંધ્યાએ બોમ્બ વિસ્ફોટ થતાં મિસરમાં હડકંપ મચી ગયો છે. ૨૦૧૧માં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ હોસ્ની મુબારકને પદભ્રષ્ટ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે ગિઝા વિસ્તારમાં ત્રાસવાદીઓના અડ્ડાઓ પર સુરક્ષા દળોની એક ટીમના હુમલા બાદ આ વિસ્ફોટમાં ૯નાં મોત થયાં છે. સુરક્ષા દળોએ વિસ્ફોટ બાદ તુરત સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ત્રાસવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન એપાર્ટમેન્ટમાં છુપાયેલા ત્રાસવાદીઓના બોમ્બ ફાટ્યા હતા. આ બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ થયેલા કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

મિસરના અશાંત ઉત્તર સિનાઈમાં આ ત્રાસવાદીઓએ કાલે એક પોલીસચોકીમાં ઘૂસીને હુમલો કર્યો હતો, જેમાં મિસરના ઓછામાં ઓછા પાંચ પોલીસકર્મીઓનાં મોત થયાં હતાં. દેશમાં જાન્યુઆરી-૨૦૧૧ની ક્રાંતિ બાદ હિંસક ત્રાસવાદી હુમલાઓમાં વધારો થયો છે. આ હુમલાઓમાં ૭૦૦થી વધુ પોલીસકર્મીઓ માર્યા ગયા છે અને ૧૮,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

You might also like