કચ્છમાં દેખાયેલી બ્લેક કલરની શંકાસ્પદ સ્કોર્પિયોની તપાસ

અમદાવાદ: પાકિસ્તાનમાંથી 10 જેટલા શંકાસ્પદ ત્રાસવાદીઓ ગુજરાતમાં ઘૂસ્યા હોવાના આઈબી અહેવાલના પગલે સમગ્ર ગુજરાત તથા દેશના તમામ મેટ્રો શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવાઈ છે ત્યારે 10 શંકાસ્પદ વ્યકિતઓ બ્લેક કલરની સ્કોર્પિયો કારમાં નીકળ્યા હોવાની હકીકત સામે આવી છે. ભૂજ પોલીસ મુજબ છેલ્લા બે દિવસથી બ્લેક કલરની સ્કો‌ર્પિયો જે રણ વિસ્તારમાં દેખાઇ હતી ત્યાર બાદ તે અચાનક ગાયબ થઇ ગઇ છે. ગઇ કાલે મોડી રાતે ફરીથી તે કાર દેખાતાં ભૂજ પોલીસ સતર્ક બની છે. ઉલ્લેખનીય છે આ કારમાં ભૂજના મુસ્લિમ જમાતખાનાથી કેટલાક શંકાસ્પદ વ્યકિતઓ બેસીને નીકળી ગયા હતા.

શનિવારે ગુજરાતના કચ્છની બોર્ડર મારફતે રાજયમાં જૈસે-એ-મોહમદ તથા લશ્કર-એ-તોઇબાના 10 જેટલા આતંકી ઘૂસ્યા હોવાના નેશનલ ‌સિક્યોરિટી એજન્સી અને આઇબીના ઇનપુટના પગલે ગુજરાત સહિત તમામ રાજ્યમાં એલર્ટ આપવામાં આવ્યું છે. એલર્ટના પગલે દેશના પ્રથમ દ્વાદશ જયોતિર્લીંગ સોમનાથ મંદિર ખાતે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે ત્યારે દરેક ધાર્મીક સ્થળો ઉપર પણ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ગુજરાત પોલીસ સહિત એનએસજીના કમાન્ડો અને એસઆરપીના જવાનો સુરક્ષા વ્યવસ્થામાં તૈનાત કરી દેવાયા છે.

શનિવારના રોજ ભૂજની નુરાની મહેલ હોટલ અને મુસ્લિમ જમાતખાનામાં કચ્છ પોલીસે દરોડા પાડ્યા હતા, જેમાં મુસ્લિમ જમાતખાનામાંથી કેટલાક શંકમદો બ્લેક કલરની સ્કોર્પિયો લઇને કચ્છના વરનોરા ગામે ગયા હોવાની માહિતી મળી મળી હતી. આ ગામમાંથી પહેલાં હથિયારો બનાવવા માટેની ફેક્ટરી પણ પકડાઈ હતી.

આ મુદ્દે બોર્ડર રેન્જ આઇજી એ.કે. જાડેજાએ જણાવ્યું છે કે શનિવારે જમાતખાનામાંથી કેટલીક શંકાસ્પદ વ્યકિતઓ બ્લેક કલરની સ્કો‌િર્પયોમાં બેસીને રણ તરફથી વરનોરા ગામ તરફ ગઇ હોવાના ઇનપુટ હતા અમે તપાસ કરાવી તો આ કાર મળી આવી નથી. આ સિવાય પણ ગઇ કાલે આ સ્કો‌િર્પયો કાર મોડી રાતે ભૂજ તરફ દેખાઇ હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે દસ જેટલા આતંકી ગુજરાતના દરિયાઈ માર્ગે પાકિસ્તાન તરફથી આવી અને ગુજરાતમાં ઘૂસ્યા હોવાના અહેવાલના પગલે કચ્છ વિસ્તારમાં પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને શંકાસ્પદ વ્યક્તિઓ તથા કારની તપાસ કરવામાં આવી રહી છે.

You might also like