નિખિલ સવાણીઅે રાતોરાત પલટી મારીઃ ભાજપ સાથે છેડો ફાડ્યો

અમદાવાદ: હજુ પંદર દિવસ પહેલાં ભાજપમાં જોડાયેલા અને ગઇ કાલ રાત સુધી ભાજપનાં ગુણગાન ગાતા પાસના પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ આજે સવારે અચાનક પલટી મારીને ભાજપ સાથેનો છેડો ફાડી નાખ્યો છે. ચૂંટણીનો કાર્યક્રમ આજકાલમાં જાહેર થવાની શકયતાની વચ્ચે પાટીદાર સમાજનું રાજકારણ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા પાટીદારોને રીઝવવા અને ‘પાસ’ના કન્વીનરોને તોડવા-જોડવાના ખેલ શરૂ કરાયો છે. એક તરફ પાસના વરુણ પટેલ અને રેશ્મા પટેલ ભાજપમાં જોડાઇ ગયા છે તો બીજી તરફ નરેન્દ્ર પટેલે ભાજપ સામે પોતાને પક્ષમાં જોડાવવા માટે આર્થિક સોદાબાજીના ગંભીર આક્ષેપ કર્યા છે. આવી રાજકીય સોગઠાબાજીમાં ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાઇ રહ્યા છે. એકંદરે રાજ્યમાં ચૂંટણીનો માહોલ દિવસે અને દિવસે રોમાંચક બનતો જાય છે.

પાસના પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ આજે સવારે પત્રકાર પરિષદ યોજીને ભાજપ સાથેનો છેડો ફાડી નાખ્યાની જાહેરાત કરી હતી. પત્રકારો સાથેની વાતચીતમાં નિખિલ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે જે પક્ષ પાટીદાર સમાજની વાત કરશે તેની સાથે જઇશ. હું ભાજપમાંથી રાજીનામું આપુ છું પરંતુ હાર્દિક સાથે જ છું.

ભાજપમાં જોડાયેલા વરુણ પટેલ અને રેશમા પટેલ જેવા કન્વીનરોનો આડકતરો ઉલ્લેખ કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું ભાજપમાં જનારા કન્વીનરોને કહેવા માગું છું કે સમાજનું હિત વિચારજો. પહેલા તમે શું કહેતા હતા અને હવે શું કહો છો.

તેમણે ભાજપ પર ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભાજપે નાણાથી પાટીદારોની વોટબેંકને ખરીદવાનો પ્રયાસ કર્યો છે. પાસના કન્વીનરોને કરોડોમાં ખરીદી રહી છે. પાટીદાર આયોગ સહિતના ચાર મુદ્દાના કારણે હું ભાજપમાં જોડાયો હતો, પરંતુ સરકારે પોતાનું વચન પૂર્ણ કર્યું નથી. જોકે ભાજપમાં જોડાવા મને કોઇ નાણાંની ઓફર કરાઇ ન હતી તેવી સ્પષ્ટતા પણ તેમણે કરી હતી.

દરમ્યાન શું હાર્દિક પટેલ કોંગ્રેસના હાથમાં વેચાઇ ગયો છે? હાર્દિક પટેલ વારંવાર કોંગ્રેસને ટેકો આપે છે તેનું શું? કોંગ્રેસ અનામતની વાત કરી નથી તે અંગે શું કહેશે? તેવા કોંગ્રેસ અને હાર્દિકના સંબંધો વિશેના પત્રકારોના અગિયાર પ્રશ્નોનો સીધો ઉત્તર આપવાનું નિખિલ સવાણીએ ટાળ્યું હતું. આની સાથે સાથે તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાની પોતાની ઇચ્છા પણ વ્યક્ત કરતાં વધુમાં જણાવ્યું હતું કે જો રાહુલ ગાંધી સમય આપશે તો હું હાર્દિકની સાથે તેમને મળીશ.

આ દરમ્યાન ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે નિખિલ સવાણીના ભાજપ સાથેનો છેડો ફાડવાની નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, ભાજપને પદ અને પૈસાની લાલચ ભારે પડે છે. ભાજપમાં જોડાયેલા અન્ય પાટીદારો પણ છેડો ફાડી શકે છે.આ દરમ્યાન પાસનાં આગેવાન રેશમા પટેલે નિખિલ સવાણી પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે હજુ ગઇ કાલ સુધી ભાજપનાં ગુણગાન ગાતા નિખિલ સવાણી સમાજને ગુમરાહ કરી રહ્યા છે. તેમણે નરેન્દ્ર પટેલના સંદર્ભે પણ જણાવ્યું હતું કે નરેન્દ્ર પટેલે ભાજપને બદનામ કરવા કોંગ્રેસની મદદથી આખો ડ્રામા રચ્યો છે.

You might also like