ત્રિપુરામાં ભાજપે ડાબેરીઅોનો અઢી દાયકા જૂનો ગઢ ધ્વંસ કર્યોઃ નાગાલેન્ડમાં ભાજપ-NDPP અાગળ

નવી દિલ્હી, શનિવાર
તાજેતરમાં પૂર્વોત્તરનાં ત્રણ રાજ્ય ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટેના મતદાનની આજે મતગણતરી શરૂ થતાં તેના પ્રવાહ અનુસાર પૂર્વોત્તરમાં મોદી લહેર ચાલી ગઇ હોવાના નિર્દેશ મળે છે. મતગણતરીના પ્રવાહ પરથી એવા સંકેત મળે છે કે ત્રિપુરામાં ભાજપ સરકાર રચી શકે છે. ત્રિપુરામાં ભાજપ ૪૧ બેઠક પર અાગળ છે જ્યારે સીપીએમ ૧૮ બેઠક પર અાગળ છે. જ્યારે મેઘાલયમાં કોંગ્રેસ અને એનપીપી વચ્ચે જબરદસ્ત કશ્મકશભરી ટક્કર ચાલી રહી છે.

મેઘાલયમાં કોંગ્રેસ ૨૮, ભાજપ ૮, એનપીપી ૧૩ અને અન્ય ઉમેદવારો ૧૦ બેઠક પર અાગળ છે. નાગાલેન્ડમાં અા લખાઈ રહ્યું છે ત્યારે એનપીએફ ૨૪ બેઠકો પર જ્યારે ભાજપ અને તેના સાથી પક્ષ NDPP ૩૪ બેઠકો પર અાગળ છે. આ ચૂંટણીનાં પરિણામોમાં ખાસ કરીને ત્રિપુરામાં ભાજપે ઇતિહાસ સર્જ્યો છે. ત્રિપુરાની પ૯ બેઠક માટેની મતગણતરીના પ્રવાહ પરથી સ્પષ્ટ થઇ ગયું છે કે ભાજપે ડાબેરીઓની તુલનાએ બહુમતી હાંસલ કરી લીધી છે.

ભાજપ ૩ર બેઠક પર બહુમતી સાથે આગળ વધીને સરકાર રચવા જઇ રહ્યું છે, જ્યારે ડાબેરી ર૬ બેઠક પર આગળ છે. એક સીટ પર અન્ય ઉમેદવાર આગળ છે. ૬૦ બેઠક ધરાવતા આ રાજ્યમાં બહુમતી માટે ૩૧ બેઠક જરૂરી છે. જો મતગણતરીના પ્રવાહ પરિણામોમાં ફેરવાશે તો સીપીએમને રપ વર્ષ બાદ સત્તા પરથી ફેંકાઇ જવું પડશે. આમ, ત્રિપુરામાં રપ વર્ષથી ડાબેરીઓનો જે ગઢ હતો તે ધ્વંસ થઇ રહ્યો છે. નાગાલેન્ડમાં મતગણતરી ચાલી રહી છે.

મતગણતરીના પ્રવાહમાં ભાજપ અને એનપીએફ ગઠબંધનમાં ચઢાવ-ઉતાર ચાલુ છે. સૌથી ખરાબ હાલત કોંગ્રેસની છે. મતગણતરીના પ્રવાહ અનુસાર ર૯ વિધાનસભા બેઠક પર ભાજપનું ગઠબંધન આગળ ચાલી રહ્યું છે અને ર૬ બેઠક પર એનપીએ ગઠબંધનની સરસાઇ છે. જ્યારે કોંગ્રેસ માત્ર એક બેઠક પર આગળ છે અને અન્ય ઉમેદવાર ત્રણ બેઠક પર આગળ છે. રાજ્યમાં હાલ નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટની સરકાર છે.

ત્રિપુરા
ત્રિપુરા વિધાનસભાની પ૯ બેઠક માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે. મતગણતરીના પ્રવાહ અનુસાર ભાજપ ૩૬ બેઠક પર આગળ છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર ત્રિપુરામાં ભાજપ ખૂબ જ આગળ નીકળી ગયું છે અને બહુમતીથી માત્ર ત્રણ બેઠક દૂર છે. મતગણતરીના પ્રવાહ અનુસાર ત્રિપુરામાં શરૂઆતમાં ડાબેરી પક્ષ ૩૧ બેઠક પર બહુમતીના આંકડાને આંબી ગયા હતા, પરંતુ પાછળથી બાજી પલટાઇ હતી અને ભાજપ ડાબેરીથી આગળ નીકળી ગયું હતું. છેલ્લાં રપ વર્ષથી ત્રિપુરામાં ડાબેરી મોરચાની સરકાર છે, પરંતુ આ વખતે તેને પોતાનો ગઢ બચાવવા માટે પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. ભાજપને આ વખતે ત્રિપુરામાં વિજયની આશા છે અને મતગણતરીના પ્રવાહ જોતાં છેલ્લાં રપ વર્ષથી સરકાર ચલાવી રહેલ સીપીએમને માત કરીને ભાજપ સત્તા પર આવશે.

નાગાલેન્ડ
નાગાલેન્ડમાં ભાજપ અને એનપીએફ વચ્ચે કશ્મકશ ચાલી રહી છે. ભાજપ ગઠબંધન ૩૪ બેઠક પર આગળ છે. જ્યારે એનપીએફ ગઠબંધન ર૪ બેઠક પર આગળ ચાલી રહ્યું છે. બીજેપીએ આ વખતે નવરચિત નેશનલ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી) સાથે ગઠબંધન કરીને ચૂંટણી જંગમાં ઝુકાવ્યું હતું. બંનેને અનુક્રમે ૪૦ અને ર૦ બેઠક પર ઉમેદવાર ઊભા રાખ્યા હતા. એનડીપીપી નાગાલેન્ડનો એક પ્રાદેશિક પક્ષ છે. ચીનવાંગ કોનિયાક તેના અધ્યક્ષ છે. સૌથી ખરાબ હાલત કોંગ્રેસની છે. કોંગ્રેસ માત્ર બે બેઠક પર આગળ છે. નાગાલેન્ડમાં ૬૦ સભ્યના વિધાનગૃહમાં પ૯ બેઠક પર ર૭ ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. રાજ્યમાં હાલ નાગાલેન્ડ પીપલ્સ ફ્રન્ટ (એનપીએફ)ની સરકાર છે.

મેઘાલય
મેઘાલયમાં પ૯ બેઠક માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી જારી છે. પ્રારંભિક પ્રવાહ અનુસાર કોંગ્રેસ ર૧ બેઠક પર આગળ છે. જ્યારે અન્ય પક્ષની ૧૪ બેઠક પર સરસાઇ છે. ૩૭ વિધાનસભા બેઠકના મતગણતરીના પ્રવાહ અનુસાર કોંગ્રેસ ૧પ, ભાજપ પ, એનપીપી ૯ અને યુડીપી ગઠબંધન પાંચ અને ત્રણ પર અન્ય ઉમેદવાર આગળ છે. અહીં આ રાજયમાં સંગમા વિ. સંગમાનો મુકાબલો છે. મુખ્યપ્રધાન મુકુલ સંગમાએ આ વખતે કોંગ્રેસને ફરીથી સત્તા પર ટકાવી રાખવા માટે તમામ તાકાત કામે લગાવી હતી. બીજી બાજુ લોકસભાના પૂર્વ સ્પીકર પી. એ. સંગમાના પુત્ર કોનાર્ડ સંગમાના નેતૃત્વમાં નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) શાસક પક્ષને ટક્કર આપી રહ્યા છે. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે કોંગ્રેસ માટે આ વખતે ગઢ બચાવવાનો મોટો પડકાર છે.

You might also like