ભાજપ વોર્ડ પ્રમુખોની નિમણૂક સપ્તાહના અંત સુધીમાં થશે

અમદાવાદ: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓનાં જાહેર થયેલાં પરિણામો અને હવે વર્ષ ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઇને ભાજપ સંગઠન ક્ષેત્રે અધૂરી રહેલી તમામ કામગીરી ઝડપભેર પૂરી કરી રહ્યો છે. પક્ષ દ્વારા નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક પહેલાં ગઇ કાલથી તાલુકા, જિલ્લા સમિતિ અને વોર્ડ પ્રમુખોની નિયુકિતની કામગીરી હાથ ધરાઇ છે.

અમદાવાદના તમામ વોર્ડ પ્રમુખોની નિમણૂકો અંગેની સેન્સ તા.પ જાન્યુઆરીએ પક્ષના નેતાઓ દ્વારા લેવાઇ ચૂકી છે. આ સપ્તાહના અંત સુધીમાં તમામ વોર્ડ પ્રમુખોની નિમણૂકો જાહેર થશે તેવું સૂત્રો જણાવે છે.

ખાસ કરીને અગાઉના ૬૪ વોર્ડ અને ત્યાર બાદ સીમાંકનના કારણે થયેલા ૪૮ વોર્ડમાં જે
કોર્પોરેટરોની ટિકિટ કપાઇ છે. તેમનો સમાવેશ વોર્ડ પ્રમુખ તરીકે કરવા ચક્રો ગતિમાન થયાં છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને સંગઠનમાં પ્રાણ પૂરવા અને કાર્યકર્તાઓ અને પૂર્વ કાઉન્સિલરને સંગઠનમાં સમાવી રાજી કરી લેવાશે. શહેર પ્રમુખની નિમણૂક પૂર્વે તમામ વોર્ડ પ્રમુખોની નિમણૂકો ઝડપભેર કરી લેવા કામગીરી હાથ ધરાઇ છે.

હાલમાં ચર્ચાઇ રહેલા વોર્ડ પ્રમુખનાં નામોમાં અસારવાના પૂર્વ કોર્પોરેટર રમણ માળી, કુબેરનગરમાં જશવંત ચાવડા, સૈજપુરમાં મહાદેવ દેસાઇ, અજમલ દેસાઇ, ઇન્ડિયા કોલોનીમાં નીતિન સોલંકી, સરસપુર,રખિયાલ વોર્ડમાં વસંત પટેલ, શાહીબાગમાં જે. સી. શાહ અથવા રાજુ પટેલ ઉર્ફે ફોટોગ્રાફર, નરોડામાં ઉજ્જવલ પટેલ, બાપુનગરના અલ્પેશ પટેલનાં નામ ફાઇનલ રેસમાં ચર્ચાઇ રહ્યાં છે.

પશ્ચિમ વિસ્તારના વોર્ડ પ્રમુખોના નામોનીફ યાદી પહેલાં કાર્યકર્તાઓ, વોર્ડ પ્રમુખોની સેન્સ લેવાની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. જેથી હવે આખરી યાદી શનિવાર સુધીમાં જાહેર થવાની શકયતા છે. તેમાં મહિલાઓ ઉપરાંત પાટીદારોને સ્થાન અપાય તેવી શકયતાઓ વધુ છે.

You might also like