ભાજપ શિવગિરિ મઠ પર કબજો કરવા માગે છેઃ સોનિયા

તિરુવનંથપુરમ્: કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેરળના ઈજાવા હિંદુ સમુદાયના શિવગિરિ મઠના ૮૩મા વાર્ષિક, ધાર્મિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ સામે નિશાન તાકતાં જણાવ્યું હતું કે સાંપ્રદાયિક વિચારધારા ધરાવતા લોકો ગુરુપંથ ચલાવનાર શ્રી નારાયણગુરુની વિરાસત પર કબજો જમાવવાની કોશિશ કરી રહ્યા છે.

સોનિયા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે કોમવાદી વિચારધારા ધરાવતા લોકોનો એક માત્ર ઉદ્દેશ્ય સમાજમાં ભાગલા પાડીને રાજકીય તાકાત મેળવવાનો છે. તેમણે શ્રીનારાયણ ધર્મ પરિપાલન યોગમ્ (એસએનડીપી યોગમ)ની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે તેના લીધે કેરળના સમાજમાં ઘણું પરિવર્તન આવ્યું છે. સાથે જ તેમણે આડકતરી રીતે જણાવ્યું હતું કે યોગમ્નો રાજકીય હેતુ માટે ઉપયોગ કરવો એ ગુરુના સિદ્ધાંતોની ઉપેક્ષા સમાન છે.

સોનિયા ગાંધીએ પોતાના પતિ અને પૂર્વ વડા પ્રધાન દિવંગત રાજીવ ગાંધીના ટીકાકારોને આડે હાથ લીધા હતા. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે રાજીવને આઈટી અને ટેલિકોમ સેક્ટરમાં ક્રાંતિ લાવવા બદલ ઉચ્ચ વર્ગવાદી જણાવ્યા હતા અને તેમની કડક ટીકા કરીને તેમની મજાક ઉડાવવામાં આવી છે. સોનિયાએ કેરળની રાજીવ ગાંધી ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં આ વાત કરી હતી.

ભાજપ કેરળમાં ઈજાવા સમુદાયની નજીક આવવાની કોશિશ કરી રહ્યો છે. આ માટે ભાજપે વેલાપલ્લીના નેતૃત્વવાળા એસએનડીપી યોગમ્ સાથે ગઠબંધન કર્યું છે. ગઠબંધન હોવા છતાં આ કાર્યક્રમમાં ભાજપના નેતાઓની સૂચક ગેરહાજરી હતી.

You might also like