સુશાસનના રાહ પર ભાજપ વિજય પતાકા લહેરાવશે : આનંદીબહેન

અમદાવાદ : મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જૂનાગઢના માંગરોળ તાલુકાના શીલમાં ભાજપ ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર અભિયાન આજે આદર્યું હતું. મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પાછલા દોઢ દાયકાના સર્વગ્રાહી વિકાસના જનહિત કામોને નજરે રાખીને જ જનતા ફરી એકવાર ભાજપાને ભવ્ય વિજય અપાવશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, અમે યુવા વર્ગો, મહિલાશક્તિ, વિદ્યાર્થીઓ, ગરીબ-વંચિત સૌના માટે વિકાસની જે અનેકવિધ યોજનાઓ શરૂ કરી છે તેના સીધા લાભ સમાજને મળી રહ્યા છે તેથી રાજ્યના વિકાસ વિરોધીઓના પેટમાં તેલ રેડાયું છે. આવા તત્વો જ્ઞાતિ-જાતિ-કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરાવીને પોતાની મુરાદ પાર પાડવા નીકળ્યા છે. પરંતુ ગુજરાતની શાણી-સમજુ જનતા એ ઇરાદા પાર પાડવા દેવાની નથી તે એમને સમજી લેવું પડશે એમ મુખ્યમંત્રીએ વિપક્ષની વિકાસ વિરોધી માનસિકતાની આલોચના કરતાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, યુવાનોના ઉત્કર્ષ માટે સૌનો સાથ સૌનો વિકાસ અને બધાને સમાન તક મળે તે માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલમાં મુકી તેનો તુરંત અમલ કરાવ્યો છે. આજે વિદ્યાર્થીઓને તેના લાભો મળ્યા છે. વિદ્યાર્થીઓના બેંકના ખાતામાં સહાયની રકમ જમા થઇ રહી છે. ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષમાં વિકાસની નવી ઊંચાઇઓ પ્રાપ્ત થઇ છે. સમાજના દરેક ક્ષેત્રમાં વિકાસ થયો છે. સામાન્ય માણસોના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવ્યા છે તે સૌ કોઇ જુએ છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
ગુજરાતમાં ભાજપા સરકારનો એક જ મંત્ર છે તે છે વિકાસ. સર્વાંગી વિકાસ અને તેમાં સફળતા મળતાં ગુજરાત પ્રગતિશીલ રાજ્ય બન્યું છે. અને આ સફળતામાં જનતા જનાર્દનની સહભાગીતા અને આશીર્વાદ અમને સતત મળતા રહ્યા છે.
એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સર્વત્ર વિજય મેળવશે જ તેવો વિશ્વાસ દર્શાવતાં કહ્યું કે, મહાનગરોમાં ભાજપાની જીત નિશ્ચિત છે. હવે નગરો, જિલ્લા, તાલુકા પંચાયતોમાં પણ વિજય પતાકા સુશાસન અને વિકાસના સહ પર ચાલીને અમે લહેરાવીશું.

You might also like