PM મોદીના ૭૨ પ્રધાનો ૧૨૭ સ્થળોએ ‘ત્રિરંગા યાત્રા’ કાઢશે

નવી દિલ્હી: આઝાદીના આંદોલનમાં યોગદાનને લઈને હંમેશાં વિપક્ષોના નિશાન પર રહેલા સંઘ અને ભાજપે દુરોગામી રણનીતિ હેઠળ જવાબ આપવાની યોજના તૈયાર કરી છે. ભાજપ આગામી પાંચ વર્ષમાં રાષ્ટ્રવાદના એજન્ડાને આગળ વધારશે કે જેથી તે રાષ્ટ્રભક્તિનો રાજકીય પર્યાય બની શકે. આ કાર્યક્રમ હેઠળ ૧૬થી ૩૦ ઓગસ્ટ વચ્ચે મોદી કેબિનેટના ૭૨ પ્રધાનો ૧૨૭ જગ્યાએ ત્રિરંગા યાત્રા કાઢશે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત ૨૪ કેન્દ્રીય પદાધિકારીઓ ૪૯ જગ્યાએ રાષ્ટ્રવાદને ગજાવશે.

ગઈ સાલ પણ ભાજપે ત્રિરંગા યાત્રા કાઢી હતી તેનાથી પક્ષને સારું ફિડબેક મળ્યું હતું. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી દ્વારા ૧૯૪૨માં છેડાયેલા ભારત છોડો જેવું આંદોલન છેડવાનો નિર્દેશ આપ્યો છે. મોદીએ આ વર્ષે સંકલ્પથી સિદ્ધિ માટે આગામી પાંચ વર્ષનો મંત્ર આપ્યો છે કે જેથી ભાજપ નવા ભારતનું પ્રણેતા બની શકે.

ભાજપના આ અભિયાન અંગે રાષ્ટ્રીય મહામંત્રી અરુણ સિંહે જણાવ્યું છે કે અમારો હેતુ દેશમાં રાષ્ટ્રીયતાની લાગણીને આગળ વધારવાનો છે. આ વખતે દેશ ભારત છોડો આંદોલનની ૭૫મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે એટલા માટે તમામ કેન્દ્રીય પ્રધાનો અને પક્ષના પદાધિકારીઓ દેશભરમાં ત્રિરંગો ધ્વજ લઈને યાત્રા કાઢશે. આ નિર્ણયને રાજકીય દૃષ્ટિકોણથી મૂલવવો જોઈએ નહીં.ભાજપે ભારત છોડો આંદોલનની ૭૫મી વર્ષગાંઠે એક મશાલ સરઘસ કાઢ્યું હતું.

આ ઉપરાંત ૧૦થી ૧૪ ઓગસ્ટ દરમિયાન દેશભરના તમામ જિલ્લાઓમાં ત્રિરંગા યાત્રા કાઢવાની યોજના છે. ૧૪ ઓગસ્ટે રાષ્ટ્રભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મહાત્મા ગાંધી, વીર સાવરકર, ભગતસિંહ અને આંબેડકર પરની ફિલ્મો બતાવવામાં આવશે.

૧૫ ઓગસ્ટના રોજ વડાપ્રધાન અને મુખ્યપ્રધાનોના ભાષણો બાદ તમામ શક્તિ કેન્દ્રોમાં ઝોનલ સ્તરે ધ્વજારોહણ સાથે સંકલ્પ કરવામાં આવશે. ૧૬ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ સુધી તમામ જિલ્લા કેન્દ્રો પર નવા ભારતમંથન, સંકલ્પથી સિદ્ધિની ચર્ચા કરવામાં આવશે. જેમાં કેન્દ્રીય પ્રધાનો, સાંસદો અને રાજ્યોમાં ભાજપના પ્રધાનો હાજર રહેશે.

You might also like