ગુજરાતની બાકી 10 બેઠકના ઉમેદવાર BJP આજે જાહેર કરે તેવી શક્યતા

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેની ર૬ બેઠકો માટે ભાજપે ગઇ કાલે ૧પ ઉમેદવારો જાહેર કર્યા બાદ બાકી રહેલી ૧૦ બેઠકોનું ગૂંચવાયેલું કોકડું આજે ઉકેલાવાની શક્યતા છે. જે ઉમેદવારો જાહેર થયા ત્યાં ફટાકડા ફૂટ્યા પણ બાકીની દસ બેઠકો પર ભાજપ ડખે ચડ્યું છે. ખાસ કરીને મહેસાણા-ઊંઝા-જૂનાગઢ અને પોરબંદરની સીટના મુદ્દે સસ્પેન્સ યથાવત્ છે.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છના ભાજપ ઉમેદવાર જાહેર થઇ ચૂક્યા છે, જેમાં પાંચ બેઠક પર વર્તમાન સાંસદ ‌િરપીટ થયા છે, હજુ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ (પશ્ચિમ), પોરબંદર, જૂનાગઢ, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર અને સુરતની બેઠકોના ઉમેદવાર જાહેર કરવા બાબતે કોકડું ગૂંચવાયું છે.

દિલ્હીમાં શુક્રવારે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રપ ઉમેદવારનાં નામ નક્કી કરવાની કવાયત હાથ ધરાઇ હતી, પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલાં ડો.આશાબહેન પટેલના નામના મુદ્દે સ્થાનિક કક્ષાએ વિરોધના કારણે મહેસાણા લોકસભા અને ઊંઝા વિધાનસભા પેટાચૂંટણી માટેનાં નામ નક્કી થઇ શક્યાં ન હતાં. પાટણ અને બનાસકાંઠામાં કોંગ્રેસની રણનીતિના આધારે ભાજપ પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારશે, જ્યારે અમદાવાદ (પૂર્વ) સહિતની ઉત્તર ગુજરાતની ચાર બેઠકો માટે નામ નક્કી થઇ શક્યા ન હતા.

સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢની મહત્ત્વની બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરે તે પછી ભાજપ તેના ઉમેદવાર જાહેર કરશે. ભાજપ આજે બાકીની ૧૦ બેઠક માટે મોડી સાંજે ઉમેદવાર જાહેર કરે તેવી શક્યતા છે. પાટણમાં લીલાધર વાઘેલાના સ્થાને પ્રધાન દિલીપ ઠાકોર અને પોરબંદરમાં વિઠ્ઠલ રાદ‌િડયાના બદલે તેમના પુત્ર જયેશ રાદ‌િડયાને ભાજપ લોકસભા ચૂંટણી લડાવવા ઇચ્છે છે, પરંતુ હજુ સુધી આ મામલે સહમતી સધાઇ નથી. મધ્ય ગુજરાતમાં ઓબીસી આદિવાસી મતદારોના પ્રભુત્વ ધરાવતા આણંદ, પંચમહાલ, છોટાઉદેપુરમાં પણ ઉમેદવારની પસંદગીના મુદ્દે ભાજપ અટવાયું છે.

કોંગ્રેસમાં હાર્દિક પટેલે જામનગરથી ચૂંટણી લડવાનું જાહેર કર્યું છે. આ સ્થિતિમાં નારાજ પાટીદાર ખેડૂત મતોનું કોંગ્રેસમાં ભેલાણ થતું અટકાવવા ભાજપે ખેડૂત આગેવાન અને લેઉવા પાટીદાર રાઘવજી પટેલને જામનગર (ગ્રામ્ય) વિધાનસભાની ટિકિટ આપી છે.

બેઠક                     હાલના સાંસદ
બનાસકાંઠા            હરિભાઇ ચૌધરી
પાટણ                   લીલાધર વાઘેલા
મહેસાણા              જયશ્રી પટેલ
અમદાવાદ (પૂર્વ)     પરેશ રાવલ
પોરબંદર               વિઠ્ઠલ રાદડિયા
જૂનાગઢ                રાજેશ ચૂડાસમા
આણંદ                 દિલીપ પટેલ
પંચમહાલ             પ્રભાતસિંહ ચૌહાણ
છોટાઉદેપુર          રામસિંહ રાઠવા
સુરત                   દર્શના જરદોશ

You might also like