ચંડીગઢ મ્યુ. કોર્પો.ની ચૂંટણીમાં ભાજપનો ૧૭ બેઠક પર કબજો

ચંડીગઢ: નોટબંધી બાદ યોજાયેલી ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે અને પ્રારંભિક તબક્કામાં ૨૬ બેઠકનાં પરિણામ જાહેર થયાં છે. આ ૨૬ બેઠકમાંથી ભાજપે ૧૭ બેઠક કબજે કરી છે, જ્યારે કોંગ્રેસની માત્ર ૪ બેઠક પર જ જીત થઈ છે. મતગણતરીના પ્રવાહ જોતાં અનેક બેઠક પર ભાજપ કોંગ્રેસ કરતાં આગળ છે.

ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન માટેની ચૂંટણીમાં ૧૨૨ ઉમેદવારો મેદાનમાં હતા. મુખ્ય મુકાબલો ભાજપ, કોંગ્રેસ અને બસપા વચ્ચે છે. હાલ ભાજપ-અકાલી ગઠબંધન તમામ પક્ષ કરતાં આગળ છે. ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પરિણામને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી, કારણ કે આ ચૂંટણી નોટબંધીના નિર્ણય બાદ યોજાઈ હતી. આ પરિણામોને નોટબંધીને લઈને રેફરેન્ડમ માનવામાં આવે છે. પાંચ લાખ મતદાતાઓમાં ત્રણ લાખે ૨૬ વોર્ડમાં ૧૨૨ ઉમેદવારોમાંથી ૨૬ કોર્પોરેટર ચૂંટવા માટે ૧૮ ડિસેમ્બરે મતદાન કર્યું હતું.

ત્યાર સુધી ચંડીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપનો કબજો હતો. મેયર અને તમામ કોર્પોરેટર ભાજપના હતા અને આજે આવેલાં પરિણામો પર બધાંની નજર છે. મુદ્દાની વાત કરીએ તો આ ચૂંટણીમાં સૌથી મોટો મુદ્દો નોટબંધીનો જ હતો. ચૂંટણી પ્રચારમાં મુખ્ય પક્ષો કોંગ્રેસ અને ભાજપે કોઈ પણ પ્રકારની કસર છોડી ન હતી.
http://sambhaavnews.com/

You might also like