જરૂર પડે ભાજપ સ્વાતિ સિંહને ચૂંટણીજંગમાં ઉતારશેઃ મૌર્ય

લખનૌ: બસપાનાં સુપ્રીમો માયાવતી સામે અભદ્ર ટિપ્પણીઓના મામલે શરૂઆતમાં બેકફૂટ પર ધકેલાઇ ગયેલ ભાજપને ફ્રન્ટફૂટ પર લાવનાર દયાશંકરસિંહની પત્ની સ્વા‌િતસિંહને ભાજપ પોતાની ટિકિટ પર ચૂંટણી લડાવી શકે છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેશવપ્રસાદ મૌર્યએ જણાવ્યું હતું કે જરૂર પડ્યે દયાશંકરસિંહનાં પત્ની સ્વા‌િતસિંહને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આમ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપમાંથી હકાલપટ્ટી પામેલા ઉપપ્રમુખ દયાશંકરે બસપાનાં સુપ્રીમો માયાવતી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યા બાદ બસપાના કાર્યકરોએ દયાશંકરનાં પત્ની અને પુત્રી વિરુદ્ધ અભદ્ર સૂત્રો પોકાર્યાં હતાં. બસપાના કાર્યકરોની આ હરકત સામેે દયાશંકરનાં પત્ની અને ભાજપના મહિલા કાર્યકર સ્વાતિસિંહ અને તેમની પુત્રીને ન્યાય અપાવવા બસપાના નસીમુદ્દીન સિદ્દિકી સહિત અન્ય આરોપીઓની ધરપકડ માટે વિરોધ દેખાવો ચાલુ રાખવામાં આવશે એવું મૌર્યએ જણાવ્યું હતું.

આ માટે મહિલા કાર્યકરોને ર૮ જુલાઇ સુધીમાં લખનૌ પહોંચવા જણાવવામાં આવ્યું છે. મૌર્યએ જણાવ્યું હતું કે માયાવતીએ સ્વયં નસીમુદ્દીન વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમને પક્ષમાંથી દરવાજો બતાવી દેવો જોઇતો હતો, પરંતુ તેમણે આવું કર્યું નથી એટલા માટે ભાજપ હવે આ મામલો આંદોલન વધુ ઉગ્ર અને આક્રમક બનાવશે. ભાજપે મહિલા મોરચાને સંપૂર્ણ તાકાત સાથે આ આંદોલનને ઉગ્ર બનાવવા આદેશ કર્યો છે. જ્યાં સુધી નસીમુદ્દીન સિદ્દિકીની હકાલપટ્ટી કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.

You might also like