ભાજપે કીર્તિ આઝાદને હકાલપટ્ટી પૂર્વે કારણદર્શક નોટિસ બજાવી

નવી દિલ્હી: ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ સંસદસભ્ય કીર્તિ આઝાદને કારણદર્શક નોટિસ બજાવીને તેમને દસ દિવસમાં એ બાબતનો ખુુલાસો કરવા આદેશ કરવામાં આવ્યો છે કે તેમની સામે ગેરશિસ્ત અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે તેમની પક્ષમાંથી શા માટે હકાલપટ્ટી કરવી જોઇએ નહીં.

ભાજપનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે પક્ષના કોઇ નેતાને સસ્પેન્શન બાદ નોટિસ આપવી એ પક્ષની નિયમાનુસારની કાર્યવાહી છે. દિલ્હી ડિસ્ટ્રિકટ એન્ડ ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)ને લઇને કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી વિરુદ્ધ આક્રમણ જારી રાખનાર આઝાદની હકાલપટ્ટીનો નિર્ણય હવે તેમના જવાબ પર નિર્ભર રહેશે.

ભાજપનાં સૂત્રોએ જણાવ્યું હતું કે કીર્તિ આઝાદને જારી કરવામાં આવેલ કારણદર્શક નોટિસમાં તેમની પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બિહારના દરભંગામાંથી સતત ત્રણ વખત સાંસદ તરીકે ચૂંટાયેલા કીર્તિ આઝાદના નિકટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે કીર્તિ આઝાદનો આ નોટિસનો જવાબ તૈયાર છે અને આવતી કાલે જ તેઓ પક્ષના કાર્યાલયને મોકલી આપશે.
આ અગાઉ આઝાદના સસ્પેન્શન સામે સવાલ ઉઠાવનાર પક્ષના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તેમને જવાબ તૈયાર કરવામાં મદદ કરી છે.

You might also like