2019ની તૈયારીઃ BJPએ સોશિયલ મીડિયા ટીમને વધુ મજબૂત બનાવી

નવી દિલ્હી: ર૦૧૪માં ભાજપની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનારા સોશિયલ મીડિયાને વર્ષ ર૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ સૌથી મોટા અને અસરકારક હથિયાર તરીકે વાપરશે. આ માટેની જોરદાર તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે.

ગત ચૂંટણીની સરખામણીએ વખતે બહુ મોટી સંખ્યામાં લોકોને જોડવામાં આવી રહ્યા છે. ભાજપે અત્યારે તેની વર્કફોર્સ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. સૌથી અગત્યની વાત એ છે કે જો ભાજપમાં સોશિયલ મીડિયા માટે કામ કરનારા કાર્યકરોનો આંકડો જોઈએ તો તે ભારતીય રેલવેના કુલ કર્મચારીઓની સંખ્યા જેટલો થઈ જાય છે.

ભાજપના ઉચ્ચસ્તરીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વર્ષ ર૦૧૪ની લોકસભા ચૂંટણી જીત્યા બાદ પાર્ટીએ સોશિયલ મીડિયાના મામલે ક્યારેય ઢીલું વલણ અપનાવ્યું નથી. આ જ કારણે સત્તામાં આવ્યા બાદ પણ ભાજપ સતત સોશિયલ મીડિયાનો ઉપયોગ વધારી રહ્યો છે અને તેનો સીધો ફાયદો પણ દેખાઈ રહ્યો છે.

સરકારી યોજનાઓને જનતા સુધી પહોંચાડવા માટે અને વિપક્ષોના ધારદાર હુમલાનો તેમની જ ભાષામાં જવાબ આપવામાં પણ ભાજપની સોશિયલ મીડિયા ટીમ સતત મજબત પુરવાર થઈ છે. આ કારણે જ અગાઉ વિપક્ષમાં હતા ત્યારે પણ અને હાલ સત્તાસ્થાને છે ત્યારે પણ સોશિયલ મીડિયાના કેમ્પેનને ભાજપે નબળો પડવા દીધો નથી.

પક્ષના સૂત્રોનું કહેવું છે કે, સોશિયલ મીડિયામાં આક્રમક બનવાના કારણે જ હવે ગત ચૂંટણી કરતા વધુ લોકો સુધી પહોંચવું શક્ય બન્યું છે. ભાજપમાં આ માટે મોટી સંખ્યામાં કાર્યકરોને વિવિધ જવાબદારીઓ પણ અત્યારથી જ સોંપી દેવામાં આવી છે.

સૌથી મોટી વાત એ છે કે સોશિયલ મીડિયા માટે કામ કરનારા આ કોઈ પેઈડ વર્કર્સ નથી પણ પક્ષની વિચારધારાને વરેલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાન નેતૃત્ત્વમાં વિશ્વાસ ધરાવનારા ભાજપના જ કાર્યકરો છે. દેશભરમાં ફેલાયેલા આ ૧ર લાખથી પણ વધુ કાર્યકરોમાં ડોક્ટર, એન્જિનિયરથી લઈને સામાન્ય કર્મચારી, વિદ્યાર્થી અને ગૃહિણી પણ સામેલ છે.

You might also like