સોમનાથમાં કાલથી ભાજપની બે દિવસની પ્રદેશ કારોબારી

અમદાવાદ: ભાજપની પ્રદેશ કારોબારીની બેઠક આવતી કાલ તા.ર૧ એ‌િપ્રલથી બે દિવસ માટે સોમનાથ ખાતે મળી રહી છે. ગુજરાતના પૂર્વ પ્રભારી અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યપ્રધાન દિનેશ શર્મા કારોબારીમાં હાજર રહેશે. તેમની સાથે જ નવા વરાયેલા પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અને અન્ય પદાધિકારીઓ વિધાનસભાની ચૂંટણીમાં ૧પ૦થી વધુ બેઠકો જીતવા માટેનો વિજય સંકલ્પ લેશે.

કારોબારીનું સમાપન રર એ‌‌િપ્રલે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરશે. તેઓ રરમીએ એક દિવસ ગુજરાતની મુલાકાતે છે. કારોબારીમાં અમિત શાહ સહિત મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ જિતુભાઇ વાઘાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુુરુષોત્તમ રૂપાલા, રાષ્ટ્રીય સહસંગઠન મંત્રી વી. સતીશ, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ સહિત ભાજપના સંગઠનના પદાધિકારીઓ, ધારાસભ્યો, પ્રધાનો સહિત પ૦૦ લોકો ઉપસ્થિત રહેશે.
કારોબારીના પહેલા દિવસે રાજકીય પ્રસ્તાવનામાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ૧પ૦થી વધુ બેઠક જીતવાનો સંકલ્પ લેવાશે તેમજ કેન્દ્ર અને ગુજરાત સરકારની કામગીરીને બિરદાવતા ઠરાવ પસાર કરાશે. આજે સાંજે પ્રદેશ કાર્યાલય ખાતે પક્ષના હોદ્દેદારોની બેઠકમાં આવતી કાલની કારોબારીના કાર્યક્રમને આખરી ઓપ અપાશે.

પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ કેન્દ્રીય ચૂંટણી વ્યવસ્થા પ્રભાગ અને લીગલ સેલના પ્રભારી તરીકે જવાબદારી નિભાવે છે. સુપ્રીમ કોર્ટના એડ્વોકેટ હોવા ‌ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, ઝારખંડ સહિતનાં રાજ્યમાં ચૂંટણી ઇન્ચાર્જ, પ્રસાર-પ્રચાર, લીગલ સેલમાં જવાબદારી નિભાવી ચૂક્યા છે.

http://sambhaavnews.com/

You might also like