અઢી દાયકાની યુતિનો અંત કેમ આવ્યો?

728_90

મહારાષ્ટ્રમાં થોડા દિવસ પહેલાં તો ભાજપ-શિવસેના બંને પક્ષોએ બંનેનું ગઠબંધન રહેશે એવું જોરશોરથી કહ્યું, ચૂંટણી સાથે મળીને લડવાનાં વચનો કહ્યાં. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ભાજપ-સેના ગઠબંધન જ ચૂંટણી લડશે. પણ ગઠબંધન ત્યાં આવીને અટક્યુ કે બંનેમાંથી પહેલાં આઇ લવ યુ કોણ કહે? બંને એકબીજા સામે ઇશારા કરતા રહ્યા પણ કોઈએ એકબીજાને પ્રપોઝ ન કર્યું. આખરે ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી કે આગામી બધી ચૂંટણીઓ શિવસેના એકલી અને આપબળે લડશે. પચ્ચીસ વર્ષ જૂની ભાજપ-સેના યુતિ પડી ભાંગી.

ઉદ્ધવનો નિર્ણય જાહેર થતા જ મહારાષ્ટ્રમાં ભાજપના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ‘એકલો જાને રે…’ રાગ આલાપ્યો. આશ્ચર્યની વાત એ છે કે દાયકાઓ જૂનું ગઠબંધન તૂટ્યું છતાં બેમાંથી કોઈએ દુઃખ પ્રગટ ન કર્યું. ઊલટાનું, ક્યાંક શિવસૈનિકોએ તો ક્યાંક ભાજપી નેતાઓ લાડુ-પેંડા વહેંચીને, ઢોલ-નગારાં વગાડીને ગઠબંધન તૂટવાનો હરખ પ્રગટ કર્યો. અહીં મુખ્ય સવાલ એ ઊઠે છે કે આખરે આ હરખ કઈ વાતનો છે? એકબીજાથી જુદા પડવામાં ખુશ થવા જેવું શું છે? આનો જવાબ છુપાયો છે સેના-ભાજપની ‘લવ એન્ડ હેટ’ સ્ટોરીમાં.  આવો જઈએ એ સ્ટોરીના ફ્લેશબેકમાં.

શિવસેના પ્રમુખ હિંદુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે અને ભાજપના નેતા પ્રમોદ મહાજનના નેતૃત્વમાં સેના-ભાજપ ગઠબંધન થયું હતું. પ્રમોદ મહાજનના નિધન બાદ ભાજપ તરફથી દિવંગત નેતા ગોપીનાથ મુંડે શિવસેના અને બાળાસાહેબ ઠાકરે સાથે સારો તાલમેલ જાળવતા હતા. બાળાસાહેબની ધોલધપાટ પછી પણ મહાજન-મુંડે શિવસેના સાથે સંબંધ ટકાવી રાખતા હતા. યુતિમાં શિવસેના પતિની અને ભાજપ પત્નીની ભૂમિકા નિભાવી રહ્યા હતા. ક્યારેક તો ભાજપની ભૂલ ન હોવા છતાં પૂરી નરમાશ સાથે રજૂ થવું પડતું હતું. એવું નહોતું ગઠબંધનને ભાજપ વેંઢારતું હતું.

બાળાસાહેબ ઠાકરેના કરિશ્માને કારણે તેની સામે ઘૂંટણ ટેકવવામાં પણ ભાજપના નેતાઓને કદી નાનમ નહોતી અનુભવાતી કે નહોતું અપમાન જેવું અનુભવાતું. બાળા સાહેબ પણ વ્યક્તિગત સ્તર પર આ નેતાઓને પોતાપણાની ગાઢ લાગણીથી જોડતા હતા. મોટા હોવાનો ઉપયોગ કરીને ક્યારેક ખખડાવતા, તો ક્યારેક પ્રેમથી ગળે લગાવતા. પરંતુ મહાજન, મુંડે અને પછી બાળાસાહેબના અવસાન બાદ ધીમેધીમે પરિસ્થિતિ બદલાતી ગઈ.  પતિ-પત્નીનો સંબંધ ખતમ થયો અને મોટા ભાઈ-નાના ભાઈનો રોલ શરૂ થઈ ગયો. દરમિયાન ૧૯૯૪માં મહારાષ્ટ્રમાં સેના-ભાજપની યુતિ સરકાર પણ બની. એમાં શિવસેના મોટો ભાઈ હતી અને ભાજપ નાનો ભાઈ.

બદલાતા સમયની સાથે નેતૃત્વ પણ બદલાતું ગયું. સેનામાં બાળાસાહેબ ઠાકરેની જગ્યા ઉદ્ધવ ઠાકરેએ લઈ લીધી. ઉદ્ધવ ઠાકરેના સેનાપતિ બનવાની સાથે જ મોટા કદના સેના નેતા નારાયણ રાણે સેના છોડીને કોંગ્રેસમાં ચાલ્યા ગયા. આટલું જ નહીં, એક સેનાના બે ટુકડા થઈ ગયા. ખુદ ઉદ્ધવના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેએ પણ તેનો સાથ છોડીને પોતાની નવનિર્માણ સેના બનાવી લીધી. દરમિયાન નાની-મોટી ઘટનાઓ પણ બનતી રહી. બાળાસાહેબની ગેરહાજરી અને ઉદ્ધવ ઠાકરેના સંયમી, કોર્પોરેટ સ્ટાઇલ નેતૃત્વને કારણે શિવસેનાનું તેજ ઓસરાતું ગયું. ગર્જના કરતી શિવસેના હવે અસમંજસ મુદ્રામાં દેખાવા લાગી. બીજી તરફ ભાજપના ‘અચ્છે દિન’ આવતા થયા. મહારાષ્ટ્રમાં નીતિન ગડકરી, દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ ખડગે, પાંડુરંગ ફુંડકર, વિનોદ તાવડે જેવા નેતા ભાજપમાં મહત્ત્વના સ્થાને આવી ગયા હતા. પરિસ્થિતિ બદલાઈ રહી હતી, બગડી રહી હતી તેમ છતાં સેના પોતાના જૂના રૂઆબ પર મુસ્તાક હતી અને ભાજપવાળા તેના દબાણ હેઠળ છટપટાતા હતા. ગૃહસ્થ પતિ-પત્ની વચ્ચે થાય છે એમ, ભાજપ-સેના લવસ્ટોરીમાં લડાઈ ઝઘડા શરૂ થઈ ગયા હતા. રોજ લડાઈ થતી પણ સાથે રહેવાની મજબૂરી હતી.

ભાજપ તરફથી જ્યારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય નેતાના રૂપમાં સામે આવ્યા ત્યારે મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ એવી હતી કે સેના પાસે મોદીને ટક્કર આપે એવું કોઈ નેતૃત્વ નહોતું. આ તરફ રાજ ઠાકરેએ ખુદ ગુજરાત આવીને નરેન્દ્ર મોદી સાથે હાથ મેળવ્યા. સેના સમસમીને રહી ગઈ. નરેન્દ્ર મોદી એટલી ત્વરાથી આગળ વધી રહ્યા હતા કે સમગ્ર દેશની જેમ મહારાષ્ટ્રમાં પણ તેમના નામના સિક્કા પડતા હતા અને એટલે જ મોદીના નામે ભાજપ-સેનાની ડૂબતી નૈયા કાંઠે લાંગરી ગઈ. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, એનસીપીનો સફાયો કરીને ભાજપ-સેનાના સૌથી વધુ સાંસદો ચૂંટાઈ આવ્યા. ફરી ૨૦૧૪ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી ભાજપ-સેનાની યુતિ સરકાર રચાઈ. ફરક એટલો હતો કે આ વખતે ભાજપ મોટો ભાઈ હતો અને સેના નાનો ભાઈ. હવે ભાજપના દબાણમાં સેના છટપટાવા લાગી.

ભાજપવાળા વારંવાર સેનાને તેની હેસિયતનું ભાન કરાવવા લાગ્યા. પેલી તરફ સત્તાથી વંચિત રહી ગયેલી એનસીપીના અધ્યક્ષ શરદ પવાર વગર માગ્યે ભાજપને સપોર્ટનો રાગ આલાપવા લાગ્યા. મતલબ સાફ હતો, જો સેના ભાજપનો સાથ છોડે તો એનસીપીનો સાથ લઈને પણ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બનેલી રહેશે. વચ્ચે વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ શરદ પવારના ગામ બારામતી જઈને પવારનો સંગ સેવવા લાગ્યા. એનાથી સેનાની સ્થિતિ જલ બીન મછલી જેવી થવા લાગી. બીજા બધા તો ઠીક, રાજ ઠાકરે પણ ક્યારેક દેવેન્દ્ર ફડણવીસને મળવા લાગ્યા, વડા પ્રધાન સાથે ફોન પર વાત કરવા લાગ્યા. શિવસેનાનો શક પાક્કો થતો ગયો. સેના-ભાજપના પ્રેમમાં તિરાડ પડવા માંડી. તિરાડ પહોળી થવા માંડી. બંને એકબીજાથી છૂટવા માગતા હતા. ભાજપને હવે સેનાની જરૂર નથી રહી અને સેનાને અપમાન સહેવું મંજૂર નહોતું.

મહારાષ્ટ્રની આ પોલિટિકલ લવસ્ટોરીમાં ટ્રાયેંગલ નહીં, ચાર ખૂણા છે. સેના-ભાજપ, એનસીપી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના. શરદ પવારની એનસીપીએ કોંગ્રેસનો પાલવ છોડી દીધો હતો. તો મનસેએ એકલા જવાનું નક્કી કરી લીધું. એનસીપીની ભૂમિકા ભાજપના ભવિષ્ય પર મોટી અસર કરશે. આનો પહેલો દેખીતો દાખલો એ છે કે સેના-ભાજપ હવે જુદાં થઈ ગયાં છે. મહાપાલિકા ચૂંટણીમાં એકબીજા સામે મેદાનમાં ઊતર્યા છે.

જોકે અહીં અર્થ એવો બિલકુલ નથી કે ભવિષ્યમાં તેઓ એકબીજાનું મોઢું પણ ન જુએ. મહારાષ્ટ્ર ભાજપમાં અત્યારે બીજા ક્રમના મોટા નેતા બની ગયેલા, ભાજપ અધ્યક્ષ અમિત શાહના નજીકના મનાતા નેતા ચન્દ્રકાંત પાટિલે બયાન આપ્યું છે કે ઉદ્ધવ ઠાકરે સંયમી નેતા છે. તે ફરીથી ગઠબંધનનો વિચાર કરી શકે છે. બીજી તરફ શિવસેના મુખપત્ર ‘સામના’ના એડિટર અને સાંસદ સંજય રાઉતને અભિયાને પૂછ્યું કે, “શું શિવસેના મહારાષ્ટ્ર સરકાર સાથે પણ ગઠબંધન તોડી નાખશે?” ત્યારે તેમણે કહ્યું, “એ વિશે અત્યારે કંઈ કહી શકાય એમ નથી.” મતલબ સ્પષ્ટ છે. હાલ સેના એકલી લડશે. જો પાલિકા ચૂંટણીઓમાં મોટી પાર્ટી બનીને બહાર આવશે તો ભાજપને ઠેંગો, નહીંતર…

ભાજપનો પણ આ જ પેંતરો છે. ભલે ભાજપને પવારનો પ્યાર મળે, પણ તે જાણે છે કે પવારનો કોઈ ભરોસો નહીં. ક્યારે સપોર્ટ આપે અને ક્યારે ધોબીપછાડ આપી દેશે. અને ભાજપ હિન્દુત્વનો મુદ્દો એકલા સેનાના હાથમાં આપી દેવાનું પસંદ ન જ કરેને. જો તેણે પવારની સેક્યુલર એનસીપીનો સપોર્ટ લીધો તો તેનું હિન્દુત્વ અપવિત્ર થઈ જશે. એટલે ભાજપ પણ સંયમપૂર્વક વર્તવાનું પસંદ કરશે. હાલ તો સેનાને સરકારમાંથી બહાર કાઢવાનું પરવડે તેમ નથી, કેમ કે ઘણાબધા સેના નેતાઓ ભાજપના સંપર્કમાં છે.

સેનામાંથી ભાજપમાં ‘આઉટ ગોઇંગ’ શરૂ થઈ ગયું તો? એટલે શિવસેનાએ પણ ફૂંકીફૂંકીને ડગ ભરવાં પડશે. સેના છાસ પણ ફૂંકી ફૂંકીને પીશે. ત્યાં સુધી તે રાજ ઠાકરે સાથે જૂનો સંબંધ તાજો કરવાના પ્રયત્નો પણ કરશે, કેમ કે તેણે ભાજપને નીચાજોણું કરાવવું છે. રાજ ઠાકરે પણ અત્યારે ખાલી થઈ ગયા છે. ના ના કરીને સેનાને પ્યાર કરતા થઈ જાય તો નવાઈ નહીં. પછી ભલેને એકબીજાને ગમે તેટલા નફરત કરતા હોય કે પછી ભાજપ પણ એમને બોલાવી શકે છે.

સારાંશ એ કે મહારાષ્ટ્રની આ ચતુષ્કોણીય લવસ્ટોરી પૂરી નથી થઈ, તેમાં ઇન્ટરવલ આવ્યો છે. પાલિકા ચૂંટણી પછી અસલી કથા શરૂ થશે, કેમ કે આ તો રિહર્સલ છે વિધાનસભા ચૂંટણીઓનું. ફાઇનલ ડ્રામા તો ત્યારે ભજવાશે.

ઉદ્ધવ કેમ આડા ફાટ્યા?
સૂત્રો કહે છે કે ઉદ્ધવ ઠાકરે ભલે શિવસેના પ્રમુખ રહ્યા પણ તે ક્યારેય બાળાસાહેબ ઠાકરેનું સ્થાન નહીં લઈ શકે. સંબંધોને ખરાબ કરવાની શરૂઆત શિવસેના તરફથી કરવામાં આવી હતી અને સતત કરવામાં આવી હતી. બંને વચ્ચેની કડવાશ વધતી ગઈ. આ કારણે અને મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સીટોની વહેંચણીના મુદ્દે પણ ગૂંચવણો સર્જાઈ હતી. દરમિયાન ઉદ્ધવે બધી મર્યાદા ઓળંગીને ભાજપનું નામ લીધા વગર પાર્ટી નેતાઓને સંબોધતાં કહ્યું હતું કે, “અત્યાર સુધી આપણે કોંગ્રેસ, એનસીપી અને પાર્ટી છોડીને ગયેલા આપણા જ ગદ્દારો સામે લડતા રહ્યા છીએ. ઉદ્ધવે કહ્યું કે આ વખતે એવું બને કે તમારે આપણા જ કપટી અને ધૂર્ત મિત્રો સામે લડવું પડે. એટલે એ લોકોથી સાવધાન રહેજો.”

ઉદ્ધવની માગ હતી કે ભાજપ ૨૦૧૨ની ફોર્મ્યુલા પ્રમાણે ચૂંટણી લડે. ૨૦૧૨માં ભાજપ ૬૩ સીટો પરથી ચૂંટણી લડ્યો હતો અને તેમાંથી ૩૨ સીટ પર ભાજપે જીત મેળવી હતી. જ્યારે શિવસેનાએ ૧૬૪ સીટ પર ચૂંટણી લડી અને એમાંથી ૭૫ સીટ પર જીતી હતી. લગભગ છેલ્લાં ૨૦ વર્ષથી મુંબઈ મહાનગરપાલિકા ઉપર ભાજપ અને શિવસેનાનો કબજો રહ્યો છે અને કાયમ મેયર પદે શિવસેનાનો કબજો રહ્યો છે. સૂત્રો પાસેથી મળતી વાત પ્રમાણે, બીએમસીની આગામી ચૂંટણી માટે ગઠબંધનમાં શિવસેનાને ૧૧૭ સીટ અને ભાજપને ૧૧૦ સીટ ફાળવવામાં આવે એવી ભાજપે ભલામણ કરી હતી અને આંતરિક સમજ પ્રમાણે ૯૦ સીટ ભાજપને અને ૧૩૭ સીટ શિવસેનાને ફાળે જાય તો સમજૂતી સ્વીકારી લેવાની હતી. પણ સેનાએ ૬૦ સીટની ઑફર કરી ત્યારે ભાજપી નેતાઓ હતપ્રભ થઈ ગયા હતા. હવે શિવસેનાને લાગે છે કે પોતે એકલે હાથે બાજી સંભાળી લેશે. સૂત્રોના હવાલે એક વાત એવી પણ આવી રહી છે કે ઉદ્ધવ ઠાકરે શિવસેનામાં પોતાની ઇમેજ ઉજળી કરવા માગે છે અને એટલે એકલા ચૂંટણી લડવા માગે છે. જોકે યુતિ ભંગાણ સુધી ભાજપના નેતાઓએ હંમેશાં શિવસેના સાથે સંયમપૂર્ણ વ્યવહાર કર્યો, ભાજપના કોઈ નેતાએ સતત હુમલાખોરની મુદ્રામાં રહેતા ઉદ્ધવ ઠાકરે ઉપર કોઈ વળતો પ્રહાર ન કર્યો.

ઉદ્ધવે પોતાના નિર્ણયને એમ કહીને વાજબી ઠરાવ્યો કે ૫૦ વર્ષની સેનાનાં ૨૫ વર્ષ ગઠબંધનને કારણે એળે ગયાં. ગઠબંધન તૂટ્યું એ પહેલાં ભાજપના મુંબઈ એકમના વડા આશિષ શેલર અને શિવસેનાના રાજ્યસભાના સાંસદ અનિલ દેસાઇએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. એમાં શેલરે કહ્યું હતું કે બીએમસીની ૨૨૭ સીટમાં શિવસેનાએ ભાજપની ૧૧૪ સીટની ફોર્મ્યુલા સામે માત્ર ૬૦ સીટ ઑફર કરી છે. શા માટે શિવસેનાએ ૨૦૧૨ની ફોર્મ્યુલા કરતાં પણ ઓછી માત્ર ૬૦ સીટ ભાજપને ઑફર કરી? જેના જવાબમાં અનિલ દેસાઇએ કહ્યું હતું કે બંને પક્ષ એકબીજાની ફોર્મ્યુલા પર સંમત નથી ત્યારે સીટની વહેંચણીની વાત કરવી વ્યર્થ છે.

ગાળો દેવી અને સત્તાની મલાઈ પણ ખાવી?
સોશિયલ મીડિયામાં શિવસેનાના મહારાષ્ટ્ર સરકારમાં રહેવા સામે કટાક્ષો શરૂ થઈ ગયા છે. ગઠબંધન તોડ્યા પછી મહારાષ્ટ્રની ફડણવીસ સરકાર પર ખતરાનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે. બંને પક્ષે એકબીજા સામે જે રીતે આગ ઓકવાનું ચાલુ કર્યું છે તે જોતાં શિવસેના સાથે ફડણવીસ સરકાર લાંબું નહીં ખેંચે. જોકે આ વિષય પર શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે અત્યારે સરકારને ટેકો પાછો ખેંચીને અમે રાજકીય અસ્થિરતા લાવવા માગતા નથી. હાલ તો અમે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છીએ. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર સાથે સેનાએ રહેવું કે નહીં તે ૨૩ ફેબ્રુઆરીએ બીએમસીની ચૂંટણીનાં પરિણામો પરથી નક્કી થશે. ચૂંટણીમાં શિવસેના જીતશે તો સરકારને આપેલો ટેકો પાછો ખેંચશે અને હારશે તો ટેકો ચાલુ રાખશે. જોકે આ બંને સ્થિતિમાં શિવસેનાની મુશ્કેલીઓમાં વધારો થશે અને કોરાણે ધકેલાયેલી એનસીપીનું મહત્ત્વ વધી જશે. વિપક્ષ શિવસેનાને ભીંસમાં લેશે.

મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ સંજય નિરુપમે તો શિવસેનાને ઢોંગી ગણાવીને સણસણતો સવાલ કર્યો છે કે ગઠબંધન તૂટી જ ગયું છે તો મહારાષ્ટ્ર અને દિલ્હીમાં શિવસેના સરકારમાં કેમ જોડાયેલી છે? એક બાજુ વડા પ્રધાન મોદીને ગાળો દેવી અને બીજી બાજુ એના નેતૃત્વવાળી સરકારમાં સત્તાની મલાઈ ખાવી? આ તરફ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ કહી દીધું છે કે ભાજપ સાથે કોઈ રહે કે ન રહે, પરંતુ રાજ્યમાં બદલાવ તો થશે જ. ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાવસાહેબ દાનવેએ કહ્યું છે કે ભાજપ સરકાર પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે. શિવસેનાના વરિષ્ઠ નેતા અને રાજ્ય સરકારમાં મંત્રીપદ સંભાળી રહેલા રામદાસ કદમે કહ્યું છે કે ભાજપની આગેવાનીવાળી સરકારમાં હું અને મારા સાથીઓ ખિસ્સામાં રાજીનામું લઈને જ ફરીએ છીએ. અમે તો ઉદ્ધવ ઠાકરેના આદેશની જ રાહ જોઈ રહ્યા છીએ. આ સ્થિતિમાં શિવસેનાની મંત્રી કેબિનેટની બેઠક કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.

છોડ દિયા જાય યા માર દિયા જાય…
મુંબઈમાં ૨૫ વર્ષથી ભાજપ સાથે ‘જય મહારાષ્ટ્ર’ કહીને શાસન કર્યા પછી હવે શિવસેના-મનસે ગઠબંધનની ચર્ચા વેગ પકડી રહી છે. ભાજપને હરાવવા મરાઠી મતોનું વિભાજન થતું અટકાવવા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ભેગા થઈ શકે છે. બંનેના નજીકના લોકો આ દિશામાં કામ કરી રહ્યા છે. મનસે પ્રમુખ રાજ ઠાકરેના વિશ્વસનીય સાથી બાલા નંદગાંવકર ગત રવિવારની રાત્રે ઉદ્ધવ ઠાકરેને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. ઉદ્ધવ તો ઉપલબ્ધ નહોતા એટલે નંદગાંવકર સેનાના દક્ષિણ મધ્ય મુંબઈના સાંસદ રાહુલ શેવાલે, રાજ્ય સભાના સાંસદ અનિલ દેસાઈ અને ઠાકરેના પીએ મિલિન્દ નાર્વેકરને મળ્યા હતા. નંદગાંવકરે આ નેતાઓને કહ્યું હતું કે મનસે કોઈ શરત વગર માત્ર રાજ્યની અસ્મિતા અને મરાઠી મતોનું વિભાજન રોકવા માટે શિવસેના સાથે ગઠબંધન કરવા માગે છે.

જો શિવસેના અધ્યક્ષ સંમત હોય તો મનસે અધ્યક્ષ રાજ ઠાકરે નાસિક પ્રવાસમાંથી પાછા ફરીને પોતે માતોશ્રી પર આવીને ઉદ્ધવને મળી શકે છે. જોકે આ નેતાઓએ નાંદગાંવકરને એટલું જ કહ્યું કે સાહેબ સાથે વાતચીત કરીશું અને પછી સાહેબે શું કહ્યું તેની જાણકારી આપીશું. પણ સોમવારે સૂત્રો પાસેથી જાણકારી મળી કે શિવસેના કોઈ પણ ભોગે મનસે સાથે યુતિ કરવા તૈયાર નથી. આમ જો શિવસેના અને મનસે વચ્ચે ગઠબંધન ન થાય તો મરાઠી અસ્મિતા માટે એક થવાની વાત કરતી મનસે ખુદ આવતી ચૂંટણીમાં શિવસેના ઉપર જોરદાર કીચડ ઉછાળશે.

ફડણવીસ પાસ થઈ ગયા
મહારાષ્ટ્રમાં શિવસેના ભલે ભાજપનો સાથી પક્ષ હોય, અત્યાર સુધી શિવસેનાએ વિપક્ષની જ ભૂમિકા નિભાવી છે. નોટબંધી મામલે પણ શિવસેનાએ ભાજપ સામે મોરચો ખોલ્યો છે. ૮ નવેમ્બરે મોદી સરકારે નોટબંધી લાદી હતી. ત્યારે વિપક્ષ સરકાર પર એમ કહીને હુમલા કરતો હતો કે નોટબંધીથી જનતા પરેશાન છે અને લોકો એનો બદલો લેશે. પણ વિપક્ષના દાવાને મહારાષ્ટ્ર નગરપાલિકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં લોકોએ ખોટો સાબિત કરી દીધો હતો. નોટબંધી પછી થયેલી આ ચૂંટણીમાં ભાજપ-સેના ગઠબંધને કોંગ્રેસ અને એનસીપીને પછાડી દીધા હતા.

મહારાષ્ટ્ર નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ૧૬૪ સીટોમાંથી ભાજપને ૫૫, શિવસેનાને ૨૪, કોંગ્રેસને ૧૯, એનસીપીને ૧૬ અને અન્યને ૨૮ સીટો મળી હતી. પ્રજાએ સાબિત કરી દીધું કે નોટબંધીથી પરેશાન છીએ પણ નોટબંધીના વિરોધમાં નથી. એ ચૂંટણી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ માટે અગ્નિપરીક્ષા સમાન હતી અને એમાં ફડણવીસ પાસ થઈ ગયા. જીત પછી એ પણ સ્પષ્ટ થઈ ગયું કે શિવસેનાને ભાજપ સાથે રહેવાનો ફાયદો થયો હતો. નોટબંધી પછી થયેલી ૬ રાજ્યોની પેટા ચૂંટણીઓમાં પણ ભાજપે પોતાની સીટો બચાવી રાખવામાં સફળતા મેળવી હતી અને કોંગ્રેસ પાસેથી એક સીટ છીનવી લીધી હતી.

સરદાર પછી શિવાજીનો વારો
દેશના ગૌરવશાળી અતીતના મહાનાયક શિવાજી મહારાજ માત્ર મરાઠાઓનું નહીં પણ આખા દેશનું ગૌરવ છે એમ કહીને મહારાષ્ટ્રની ફડણવીસ સરકારે જાહેરાત કરી હતી કે ૩૬૦૦ કરોડ રૂપિયાના ખર્ચે કાંઠાથી દોઢ કિલોમીટર દૂર અરબ સાગરમાં છત્રપતિ શિવાજીની ૧૯૨ મીટર ઊંચી પ્રતિમા લાગશે અને અહીં એક સાથે ૧૦ હજાર લોકો આવી શકશે. વડા પ્રધાને સ્મારકનો શિલાન્યાસ અને જળપૂજન પણ કરી નાખ્યું છે. આ માટે મોદી હોવરક્રાફ્ટમાં અરબ સાગરમાં દોઢ કિલોમીટર શિવાજીના સ્ટેચ્યૂ પાસે ગયા હતા. દરિયામાં ૧૫ એકરના ટાપુ પર પ્રસ્તાવિત શિવાજી સ્મારકમાં ઘોડા સાથે શિવાજી મહારાજના પૂતળાની ઊંચાઈ ૬૩૦ ફૂટ હશે. એવું માનવામાં આવે છે કે આ સ્મારક ભાજપ માટે બીએમસી ચૂંટણીઓ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી માટે મજબૂત આધાર તૈયાર કરશે. મુંબઈમાં રહેતા ૩૦ ટકા મરાઠી વૉટર માટે શિવાજીની મૂર્તિ મોટા આઇકોન છે.

ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે શિવસેનાની મોટા ભાઈની ભૂમિકા છીનવી લીધી અને પોતે મોટો ભાઈ બની ગયો. હવે ભાજપે પોતાની સ્થિતિ જાળવી રાખવાની અને તેને વધુ મજબૂત કરવાની છે અને એ માટે મરાઠા સમુદાય ઉપર મજબૂત પકડ બનાવવાની જરૂર પડી છે. શિવાજી મરાઠી લોકોના સૌથી મોટા આઇકોન છે અને શિવસેના માટે બહુ મહત્ત્વના છે. ભાજપ શિવાજી મહારાજના આ આઇકોનને પોતાની સાથે જોડી લેવા માગે છે. આમ, કોંગ્રેસના સરદાર પટેલને ભાજપે અંકે કરી લીધા પછી હવે પક્ષ શિવાજી મહારાજને અંકે કરવા આગેકૂચ કરી રહ્યો છે.

એઆઇએમઆઈએમ ડાર્ક હોર્સ છે
અસદુદ્દીન ઔવેસીની ઓલ ઇન્ડિયા મજલિસ-એ-મુસલમીન (એઆઈએમઆઈએમ) મુંબઈમહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના લાભાર્થે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના લઘુમતી મતો તોડવાનું કામ કરશે. એમઆઈએમ ૫૦-૫૫ સીટ પરથી પોતાના ઉમેદવારો ઊભા રાખશે. કેટલાક નેતાઓ તો એઆઈએમઆઈએમને ભાજપને આડકતરો લાભ પહોંચાડતી ભાજપની બી-ટીમ ગણાવે છે.

એમઆઇએમએ વડોદરાના ક્રિકેટર યૂસુફ પઠાણના સાળા ઉમર સાદને ટિકિટ આપી છે. મુંબઈના સિનિયર કોંગ્રેસી નેતા કોર્પોરેટર વક્કારુનિસા અન્સારી અને કોંગ્રેસના લઘુમતી સેલના પ્રમુખ નિઝામુદ્દીન રઇન એમઆઈએમમાં જોડાયા છે. બીએમસીનું મહાકાય ૩૭,૫૦૦ કરોડ રૂપિયાનું બજેટ છે અને અસદુદ્દીન ઔવેસીએ તેમાંથી મુસ્લિમ વિસ્તારો માટે રૂ.૭,૭૦૦ કરોડના સિવિક બજેટની માગ કરી છે. એઆઈએમઆઈએમ ડાર્ક હોર્સ સાબિત થશે એમ વારિસ પઠાણનું કહેવું છે. આ તરફ ભાજપ-સેનાની યુતિ તૂટતાં કેન્દ્રિય મંત્રી રામદાસ આઠવલેની પાર્ટી આરપીઆઈ(એ)એ બીએમસી ચૂંટણીમાં ભાજપ સાથે રહેવાનું જાહેર કર્યું છે. પાર્ટીએ ભાજપ પાસેથી ૪૫ સીટની માગણીકરી છે.

‘રાજ’ ગયા
પાંચ વર્ષ પહેલાં મનસે રાજ ઠાકરેના કરિશ્મા અને એન્ટિ-ઉત્તર ભારતીય ઇમિગ્રન્ટ એજન્ડા ઉપર સવાર હતો અને પક્ષે મુંબઈ કોર્પોરેશનમાં ૨૮ સીટ મેળવી હતી. આ સિવાય થાણેમાં ૭, પૂણેમાં ૨૯, પિંપરી-ચિંચવડમાં ૪, નાગપુરમાં બે અને અકોલામાં એક સીટ મેળવી હતી. નાસિકમાં ઝંઝાવાત સર્જી ૪૦ સીટ જીતીને એનસીપીના સપોર્ટથી મેયરપદું મેળવ્યંુ હતું. ૨૦૧૨માં શહેરી પંચાયતી સંસ્થાઓમાં મનસેએ કુલ ૧૧૧ સીટ મેળવી હતી. હવે એવું તે શું થયું કે મનસેએ મરાઠી અસ્મિતાના નામે સેનાના દ્વારે કુરનિશ બજાવવાની ફરજ પડી રહી છે? વાસ્તવમાં રાજનું ગણિત એવું છે કે મુંબઈની ચૂંટણીમાં સેનાને સપોર્ટ આપીને સેના પાસેથી નાસિકમાં સપોર્ટ લેવો. પણ તેનાથી રિસાયેલા પિતરાઈ ઉદ્ધવ માનતા નથી. પાર્ટીના અંદરનાં સૂત્રોનું કહેવું છે કે રાજ ઠાકરે પર વિશ્વાસ મૂકી શકાય તેમ નથી.

૨૦૧૪ની લોકસભા ચૂંટણી પહેલાં રાજે વડા પ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીનો સપોર્ટ કર્યો હતો. જો તેઓ ઇચ્છતા હતા કે મોદી વડા પ્રધાન બને તો શા માટે તેમણે સેના-ભાજપ સામે પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા? મનસેના ૧૧૧ કોર્પોરેટર અને પૂર્વ ધારાસભ્યોમાંથી મોટાભાગના સેના કે ભાજપ તરફ ઢળી ગયા છે. વળી રાજ્યની ધારાસભાની ચૂંટણીમાં પણ રાજનાં વળતાં પાણી થયાં છે. ૨૦૧૪ની વિધાસભાની ચૂંટણીમાં મનસેના ધારાસભ્યો ૧૩માંથી ઘટીને ૧ થઈ ગયા. તાજેતરમાં યોજાયેલી મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ મનસે પાંચ વર્ષ પહેલાંની પોતાની ૬૧ સીટમાંથી માત્ર ૭ સીટ જીતી શકી હતી. ભાજપ પ્રવક્તા માધવ ભંડારીનું કહેવું છે કે રાજ ઠાકરેની કામ કરવાની રીતભાત સમાજમાં આત્મવિશ્વાસ ભરી શકે તેવી નથી અને મનસે પાર્ટીને ફરી બેઠા થવાની કોઈ શક્યતા નથી. જોકે સિનિયર સેનાલીડર અને પૂર્વ લોકસભા સ્પીકર મનોહર જોશીનું કહેવું છે કે જો ઠાકરેભાઈઓ ભેગા થાય તો તેઓ ઇતિહાસ રચશે.

કોંગ્રેસને ફાયદો થશે
આ લડાઈમાં ભાજપે ખાસ કશું ગુમાવવાનું નથી. ઊલટાનું તેમની મુંબઈ ઉપર શાસનની શક્યતાઓ ઉજળી થઈ છે. મુંબઈની ૨૨૭ સીટમાંથી ભાજપે મુંબઈ મહાનગરપાલિકા ઉપર કબજો જમાવવા ૧૧૪ સીટની જરૂર પડશે. જોકે બંનેનો હેતુ એકલા સત્તા મેળવવાનો છે. આ વિભાજનનો સૌથી વધુ લાભ કોંગ્રેસને મળશે. કોંગ્રેસના મુંબઈ એકમના વડા સંજય નિરૂપમે સેનાને પડકાર ફેંક્યો છે કે હિંમત હોય તો રાજ્ય અને કેન્દ્રની ભાજપની આગેવાનીની સરકારમાંથી નીકળી બતાવો? નિરૂપમે ટ્વિટ કર્યું હતું કે ભાજપ-સેનામાં ભંગાણ મુંબઈ માટે સારું છે. બંનેએ છેલ્લાં ૨૦ વર્ષથી શહેરને લૂંટ્યું છે. હવે બંનેને દંડ દો, એમને હરાવો. જોકે, કોંગ્રેસને બહુ દેખીતો ફાયદો નહીં થાય. ફોક્સ હજુ પણ શિવસેના અને ભાજપ પર જ રહેશે. થોડું ઘણું ધ્યાન મનસે ખેંચશે.

એક જમાનામાં ‘યે હૈ મુંબઈ મેરી જાન’ ભલે કહેવાતું હોય આજે મુંબઈ ખમી ન શકે એટલું ગીચ, સતત ટ્રાફિકમાં ફસાયેલું, ગંદું, રહી ન શકાય એવું, અસમાન અને અણઘડ શહેર બની ગયું છે. માત્ર થોડાક હાઇ પ્રોફાઇલ પ્રોજેક્ટ, ચૂંટણી ઢંઢેરાઓ અને લાગણીહીન રાજકારણથી એનું નિરાકરણ આવી શકે તેમ નથી. ઠાકરે હોય, ફડણવીસ હોય કે બીજા કોઈ હોય અત્યારે સૌથી જટિલ મુંબઈનો મામલો છે અને એનો કોઈ વિકલ્પ પણ નથી.

મુંબઈની ચૂંટણી ફડણવીસ સરકારના ભાવિનો પણ ફેંસલો કરશે 
શિવસેના અને ભાજપ બંને પક્ષો હિન્દુવાદી હોવાના દાવા કરતા હોવા છતાં બંને પક્ષોનું બેકગ્રાઉન્ડ ભિન્ન છે. શિવસેનાની સ્થાપના બાલ ઠાકરેએ સન ૧૯૬૬માં કરી હતી.  એ વખતે તેઓ એક કાર્ટૂનિસ્ટ તરીકે વધુ વિખ્યાત હતા. અંગ્રેજી-મરાઠી અખબારમાં તેમનાં વ્યંગચિત્રો બહુ લોકપ્રિય હતાં. તેમણે શિવસેનાના માધ્યમથી પોતાની નેતાગીરી ચમકાવવા માટે મરાઠી માનસના સ્વાભિમાનને જાગ્રત કરવાનું મુનાસીબ માન્યું. મુંબઇ મહારાષ્ટ્રીયનોનું છે અને બહારના લોકો આવીને તેમના અધિકારો છીનવી રહ્યા હોવાનાં સૂત્રો તેમણે પ્રચલિત કર્યાં હતાં. સૌ પ્રથમ તેમણે દક્ષિણ ભારતીયોને ટાર્ગેટ બનાવ્યા. એ પછી ગુજરાતીઓ પણ ટાર્ગેટ બન્યા. આવી આક્રમકતાએ શિવસેનાને મહારાષ્ટ્રમાં લોકપ્રિયતા અપાવી. હિન્દુ રાષ્ટ્રનો મુદ્દો શિવસેનાએ પાછળથી અપનાવ્યો.

આ બાબતમાં ભાજપ જનસંઘનો નવો અવતાર હોવાથી શિવસેના અને ભાજપ સમાન વિચારના પક્ષોને નાતે નજીક આવ્યા. ગત દાયકામાં શિવસેનાએ મુંબઇમાં ઉત્તર ભારતીયો-બિહારીઓને પણ ટાર્ગેટ બનાવ્યા હતા. સૌપ્રથમ અટલબિહારી વાજપેયીની સરકાર દ્વારા અને હવે નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કેન્દ્રમાં સત્તાનાં સૂત્રો સંભાળવામાં સફળ બનેલા ભાજપના સ્વરૂપમાં ઘણું પરિવર્તન આવ્યું છે. સત્તાની વાસ્તવિકતા સમજ્યા પછી ભાજપ તેની નીતિઓમાં ઉદાર દૃષ્ટિકોણ અપનાવતો થયો છે ત્યારે શિવસેનાએ તેની જડતાનો ત્યાગ કર્યો નથી અને સ્થિતિસ્થાપક બનવાના તેના ઇનકારને કારણે એક રાજકીય પક્ષ તરીકે તેનો વિકાસ રૃંધાઇ ગયો છે. ‘સબ કા સાથ, સબ કા વિકાસ’નું મોદીનું સૂત્ર સ્વીકારવામાં પણ શિવસેના મુશ્કેલી અનુભવે છે. એ સ્થિતિમાં ભાજપ અને શિવસેનાની શાસનમાં સહયાત્રા દીર્ઘજીવી બનવાની સંભાવના પહેલેથી જ ઘટી ગઇ છે. તેમાં વળી શિવસેનાના નેતૃત્વના અહમ્ પણ અવરોધ રૂપ બની રહ્યા છે.

મહારાષ્ટ્રમાં શિવસેનાનો પ્રભાવ મુંબઇ ઉપરાંત થાણે, નાસિક, પૂણે, કોંકણ અને મરાઠાવાડાનાં કેટલાંક ક્ષેત્રોમાં છે. જ્યારે ભાજપ વિદર્ભ અને મરાઠાવાડામાં પ્રભાવી છે. તેનું શ્રેય દિવંગત પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડે અને નીતિન ગડકરીને આપી શકાય. રાજકીય વર્ચસ્વ માટે બંને પક્ષો વચ્ચે આરંભથી જ સંઘર્ષ ચાલતો રહ્યો છે, પરંતુ પ્રમોદ મહાજન જેવા નેતાનો આગ્રહ રહેતો કે બંને પક્ષો વચ્ચેનું ગઠબંધન ટકી રહેવું જોઇએ. મહાજનની હત્યા પછી ગોપીનાથ મુંડેએ પણ બંનેને સાથે રાખવામાં સારી એવી જહેમત ઉઠાવી હતી. બાળાસાહેબ ઠાકરેના અવસાન પછી ભાજપ-શિવસેનાના ગઠબંધનના વિરોધી રહ્યા છે.

તેમનો દૃષ્ટિકોણ રાજ્યમાં ભાજપનો વ્યાપ વધારવાનો રહ્યો છે. મોદી અને અમિત શાહ પણ એવા જ વિચારોના હોવાથી મહારાષ્ટ્ર વિધાનસભાની ગત ચૂંટણી ભાજપે એકલે હાથે લડીને પોતાની તાકાત બતાવી આપી. સ્પષ્ટ બહુમતી ન મળી પણ સૌથી મોટા પક્ષ તરીકે કાઠું કાઢીને શિવસેનાને કદ પ્રમાણે વેતરવામાં સફળતા મળી. શિવસેનાને સરકારમાં સાથે લેવાની મજબૂરી છતાં ભાજપ-શિવસેનાની દાદાગીરીને તાબે થવા તૈયાર નથી એ વાતની પ્રતીતિ વારંવાર કરાવે છે એ ઉદ્ધવ ઠાકરેને ગમતું નથી. મોદી સરકારની સતત ટીકા કરતા રહીને ઉદ્ધવ ઠાકરે અને શિવસેનાએ ભાજપ નેતાગીરીનાં આદર અને સન્માન ગુમાવ્યાં છે. બાલ ઠાકરેના સમયની જાહોજલાલીના દિવસો વીતી ગયા છે એ વાસ્તવિકતા ઉદ્ધવ ઠાકરે સ્વીકારી શકતા નથી એ તેમની નબળાઇ છે. આ જ નબળાઇ તેમને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના રાજ ઠાકરે સાથે હાથ મિલાવતા અટકાવે છે. શિવસેનાની કાર્ય પદ્ધતિથી લોકો ત્રાસી ગયા છે અને તક મળે તો છુટકારો મેળવવા ઇચ્છે છે એ પણ શિવસેના સ્વીકારી શકતી નથી. સમય સાથે કદમ મિલાવવામાં  નિષ્ફળ રહેલી શિવસેના સતત સંકોચાતી જઇ રહી છે. ભાજપ પર સરસાઇ મેળવવાની જીદને કારણે જ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી એકલે હાથે લડવાના માર્ગે શિવસેના ચાલી છે.

વિધાનસભાની ચૂંટણીમાં મુંબઇની મોટાભાગની બેઠકો ભાજપે કબજે કરી હોવાથી ચૂંટણી સમજુતીમાં આ પરિણામોને લક્ષમાં રાખીને બેઠકોની વહેંચણીના ભાજપના આગ્રહનો શિવસેનાએ સ્વીકાર કર્યો નથી. મુંબઇ મહાનગરપાલિકામાં દોઢ દાયકાના એકચક્રી શાસન દરમિયાન શિવસેના શાસનમાં ભાજપને તેના હિસ્સાનો લાભ પણ આપવાનો ઇનકાર કરતી રહી હોવાની ભાજપની ફરિયાદ રહી છે. હવે ભાજપ ઓછું ચલાવી લેવા તૈયાર નથી. મહાપાલિકાના વહીવટમાં શિવસેના અનહદ ભ્રષ્ટાચાર ગેરરીતિને કારણે તેમજ રેઢિયાળ વહીવટને કારણે ભાજપની છાપ પણ ખરડાતી હતી. એથી શિવસેનાના સાથ વિના ચૂંટણી લડવાની તક ભાજપને મનગમતી સ્થિતિ છે. મહાપાલિકાનું શાસન ગુમાવવાનું આવે તો પણ ભાજપને કોઇ ફરક પડતો નથી. એ સંજોગોમાં ભાજપ માટે તો મહાપાલિકાની ચૂંટણીમાં શિવસેના પર થોડી પણ સરસાઇ સિદ્ધ કરવાનો પડકાર છે અને તેમાં એ સફળ બને એવી સ્થિતિ છે.

મહત્ત્વની વાત એ છે કે આ ચૂંટણીનું પરિણામ મહારાષ્ટ્રની ભાજપ સરકારનું ભાવિ પણ નક્કી કરશે. આ ચૂંટણીનું મહત્ત્વ એટલા માટે જ વધી જાય છે. આ ચૂંટણી પછી શિવસેના જો રાજ્ય સરકારમાંથી હટી જવાનો નિર્ણય કરે તો ભાજપે શરદ પવારની એનસીપીને સાથે લઇને સરકારને ટકાવી રાખવી પડે. ભાજપનું રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વ આ વાતથી પરિચિત હોવાથી જ  એનસીપી સાથેની નિકટતા ટકાવી રાખી છે. અહેવાલ તો એવા પણ છે કે મહારાષ્ટ્રમાં એનસીપીને શાસનમાં ભાગીદાર બનાવવાની રૂપરેખા તૈયાર થઇ ચૂકી છે. મહાપાલિકાની ચૂંટણીમાં ભાજપ સરસાઇ મેળવશે તો તે શિવસેનાને તેનું સ્થાન બતાવવું પસંદ કરશે.

– તરુણ દત્તાણી
http://sambhaavnews.com/

You might also like
728_90