કૈરાનાની સ્થિતિ પાકિસ્તાન જેવીઃ સંગીત સોમ

મેરઠ: ભાજપના ધારાસભ્ય ઠાકુર સંગીત સોમે પણ હવે કૈરાના હિજરત વિવાદમાં ઝુકાવ્યું છે. સંગીત સોમે એવો પણ આક્ષેપ કર્યો છે કે કૈરાનામાં પાકિસ્તાન જેવી હાલત છે. સપા સરકારનાં રક્ષણ હેઠળ એક સમુદાયની હિંમત એટલી બધી વધી ગઈ છે કે બીજા સમુદાયને હિજરત કરવી પડી હતી. લોકોએ પોતાના જીવ બચાવવા હિજરત કરવી જરૂરી માની હતી. આ સ્થિતિમાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે.

આ સંજોગોમાં પ્રજાને સંદેશ આપવા માટે સંગીત સોમ ૧૭ જૂને સરઘનાથી કૈરાના સુધી નિર્ભય પદયાત્રા કરશે. સંગીત સોમે કૈરાનામાંથી હિજરત કરી જનાર હિંદુ પરિવારોની એક યાદી પણ જાહેર કરી છે. સંગીત સોમે કેન્ટના ધારાસભ્ય સત્યપ્રકાશ અગ્રવાલ અને ભાજપના નેતા અનુજ રાઠી તેમજ અજિત ચૌધરીની હાજરીમાં પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે અમારી નિર્ભય યાત્રા સરઘના સ્થિત ધારાસભ્ય કેમ્પ કાર્યાલયથી ૧૭ જૂને સવારે ૧૦.૦૦ વાગ્યે શરૂ થશે, જે સાંજે કૈરાના પહોંચશે.

આ યાત્રા પાછળનો હેતુ જનતામાં વ્યાપેલ ભયના માહોલને દૂર કરવાનો છે. અમે જનતાને એ સંદેશ આપવા માગીએ છીએ કે આપણે હિંદુસ્તાનમાં જ રહીએ છીએ અને અેટલા માટે હિજરત કરવાની જરૂર નથી. પદયાત્રાની મંજૂરી અંગેના એક પ્રશ્નના જવાબમાં સંગીત સોમે જણાવ્યું હતું કે અમે આ યાત્રા અંગે પ્રશાસનને જાણ કરી દીધી છે હવે તેઓ મંજૂરી આપે કે ન આપે, પરંતુ અમારી યાત્રા જરૂર નીકળશે. કૈરાનામાં જે લોકોનો કરોડો બિઝનેસ હતો તેમને હવે આતંક અને ભયના કારણે મજબૂર થઈને રૂ. ૧૦,૦૦૦ની નોકરી કરવાની ફરજ પડી છે.

હૂકુમસિંહની યાદી પર ભાજપ ટીમની મહોર
ભાજપની નવ સભ્યની ટીમે કૈરાનાની મુલાકાત લીધી હતી અને ટીમના પ્રમુખ તેમજ ભાજપ વિધાનસભા પક્ષના નેતા સુરેશ ખન્નાએ જણાવ્યું હતું કે સાંસદ હૂકુમસિંહે જારી કરેલી ૩૪૬ લોકોની યાદી યોગ્ય છે. ભાજપના નેતાએ જણાવ્યું છે કે આ વિસ્તારમાંથી હિંદુઓની હિજરત થઈ રહી છે જે એક ગંભીર મામલો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ કેશવપ્રસાદ મૌર્યએ એવું પણ જણાવ્યું હતું કે કૈરાના વિવાદમાં કાયદો અને વ્યવસ્થા નિષ્ફળ જવાની સાથે એક ખાસ સમુદાયને હિજરત કરવા પાછળનું કારણ આતંક છે.

You might also like