જવાહર ચાવડાને પ્રધાનપદઃ ભાજપના યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજાનો પણ નંબર લાગ્યો

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: લોકસભાની ચૂંટણીની જાહેરાત આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ગઈ કાલે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા બે ધારાસભ્ય પૈકીના એક જવાહર ચાવડાને પ્રધાનપદનો શીરપાવ મળ્યો છે. આ સાથે જ છેલ્લા કેટલાક સમયથી ચાલતી અટકળો મુજબ પ્રધાન મંડળનું વિસ્તરણ થઇ રહ્યું છે.

આજે ૧ર.૩૯ કલાકે રાજભવન ખાતે યોજાનારા શપથ વિધિ કાર્યક્રમમાં જવાહર ચાવડા ઉપરાંત વડોદરાના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલ તથા જામનગરના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા પણ પ્રધાન તરીકે શપથ લેશે. જવાહર ચાવડાને કેબિનેટ પ્રધાન, જ્યારે યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહને રાજ્યકક્ષાના પ્રધાન બનાવાશે.

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને નબળી પાડવા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાને ભાજપે સ્વીકારી લીધા બાદ હવે પ્રધાનપદનો શિરપાવ પણ આપી દીધો છે તેની સાથે એક અરસાથી પક્ષથી નારાજ ચાલી રહેલા વડોદરાના સિનિયર ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ યોગેશ પટેલ સહિત ધર્મેન્દ્ર જાડેજા- જામનગર પ્રધાનમંડળનો હિસ્સો બની રહ્યા છે

રૂપાણી સરકારના પ્રધાન મંડળના વિસ્તરણને લઇને ગુજરાતની રાજનીતિમાં સૌથી મોટા સમાચાર એ છે છે. આજના પ્રધાન મંડળના વિસ્તરણમાં જવાહર ચાવડાને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડાએ હજુ તો શુક્રવારે ગઈ કાલે રાજીનામું આપ્યા બાદ સાંજે કેસરિયો પહેરી ભાજપમાં જોડાયા હતા.

કુંવરજી બાવળિયા પછી કોંગ્રેસમાંથી આવેલા જવાહર ચાવડાને પણ હવે વર્તમાન સરકાર પ્રધાન પદ આપવા જઈ રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સરકારના પ્રધાન મંડળના વિસ્તરણમાં બેથી ત્રણ નવા પ્રધાનોનો સમાવેશ થશે. આ લખાય છે ત્યારે બપોરે ૧૨.૩૦ કલાકે શપથવિધિ યોજાઇ રહ્યો છે. .

બીજી બાજુ હજી પણ કોંગ્રેસના અનેક કદાવર નેતાઓ પાર્ટી સાથેનો છેડો ફાડવાની ચર્ચાઓ અંદરખાને ચાલી રહી છે. જેમાં ઠાકોર સેનાના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તેમજ જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા પણ ભાજપમાં જોડાશે તેવી વાત વહેતી થઇ છે. લોકસભા ચૂંટણી પહેલા ભાજપનું સિક્રેટ મિશન ચાલી રહ્યું છે, લોકસભાની ૨૬ પૈકી જે બેઠકો નબળી છે તે બેઠકો મજબૂત કરવાની નીતિ ભાજપે તૈયાર કરી છે તેના ભાગરૂપે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને ભાજપમાં લાવવાના પ્રયાસો થઇ રહ્યા છે.

ગઈ રાત્રે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના બંગલે મોદી રાત સુધી પક્ષની કોર કમિટીની બેઠક મળી હતી જેમાં ભાજપના સિનિયર પ્રધાનો ,નેતાઓની હાલની સ્થિતિ અને નવા ચહેરા અને ભાજપના જૂના નેતાઓ અને પ્રધાનો પૈકી કોને ક્યાં સ્થાન આપવું તેની ચર્ચાઓ થઈ હતી. સચિવાલયના સ્વર્ણિમ સંકુલમાં પ્રધાનોની કચેરીઓ પાસે ખાલી રહેલી બે કચેરીઓની સાફ સફાઇ ચાલુ કરાઇ હતી ત્યારે પ્રધાન મંડળના વિસ્તરણની અટકળો તેજ બની હતી.

દરમિયાન ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સૌરાષ્ટ્ર અને વડોદરાના કાર્યકર્તા ઊમટી પડ્યા છે. અને એકબીજાને મીઠાઇ ખવડાવી ઉજવણી કરી રહ્યા છે. ભાજપ-કોંગ્રેસના નેતાઓને ખુલ્લા મને આવકારી રહ્યો છે તેની પાછળની ગણતરી માત્ર લોકસભાની ચૂંટણી નહીં પણ રાજ્યસભાની ચૂંટણી પણ ગણવામાં આવે છે. ગુજરાતમાંથી ચાર સભ્યને રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થઇ રહ્યો છે.

You might also like