કર્ણાટકમાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ નિષ્ફળ: JDSના ધારાસભ્યને ૬૦ કરોડની ઓફરનો આરોપ

બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને પાડવાની ભાજપની કોશિશોને મોટો ઝાટકો વાગ્યો છે. અસંતુષ્ટ કોંગ્રેસ ધારાસભ્યોએ છેક છેલ્લી ઘડીએ વફાદારી બતાવીને પક્ષ છોડવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેતાં ભાજપનું ‘ઓપરેશન લોટસ’ અંતે નિષ્ફળ નિવડ્યું છે. છેલ્લા સાત મહિના દરમિયાન આ બીજી વખત કર્ણાટકમાં સરકાર બનાવવાની ભાજપની કવાયત ફોગટ નીવડી છે. ભાજપે કોંગ્રેસના ૧ર થી ૧પ અસંતુષ્ટ ધારાસભ્ય પાસે રાજીનામું અપાવીને સરકાર રચવાની પૂરી તૈયારીઓ કરી લીધી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને જનતાદળ (એસ)ના નેતા અને મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામીના સીધા હસ્તક્ષેપ બાદ કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યોની નારાજગીથી કર્ણાટકમાં ઊભું થયેલું રાજનૈતિક સંકટ હાલ પૂરતું ટળી ગયું છે.

પક્ષના ટોચનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે કુમારસ્વામીએ તમામ નારાજ ધારાસભ્યો સાથે વાતચીત કરી હતી. આ કોંગ્રેસી ધારાસભ્યોને ભાજપના નેતાઓના સીધા સંપર્કમાં હોવાથી મનાવવા બહુ જરૂરી હતા. બે અપક્ષ ધારાસભ્ય દ્વારા સરકારને આપેલું સમર્થન પાછું ખેંચવાની વાતથી ચિંતિત કુમારસ્વામીએ ભાજપની વ્યૂહરચના તોડવા મોટું પગલું ભર્યું હતું અને રાહુલ ગાંધીની રણનૈતિક મંજૂરી મળ્યા બાદ કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યોને મનાવવાનું બીડું ઝડપ્યું હતું.

આ અગાઉ કોંગ્રેસ-જેડીએસના ૧૩ નારાજ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતાથી કુમારસ્વામી સરકાર સંકટમાં આવી ગઈ હતી. ઓપરેશન લોટસ નિષ્ફળ ગયા બાદ જેડીએસએ ભાજપ પર ગંભીર આરોપો લગાવ્યા છે. ધારાસભ્ય શિવાલિંગે ગૌડાએ ભાજપના નેતા અને પૂર્વ સીએમ જગદીશ શેટ્ટર પર ધારાસભ્યોને ખરીદવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે ભાજપ દ્વારા જેડીએસના ધારાસભ્યને રૂ.૬૦ કરોડની ઓફર આપવામાં આવી હતી.

શિવાલિંગે ગૌડાએ કહ્યું કે જગદીશ શેટ્ટરે જેડીએસના એક ધારાસભ્યને ભાજપમાં સામેલ થવા બદલ પ્રધાનપદ અને ૬૦ કરોડ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ અમારા ધારાસભ્યએ કુમારસ્વામીને આ વાતની જાણ કરી દીધી હતી અને ભાજપની ઓફર ફગાવી દીધી હતી. આ ધારાસભ્યએ કુમારસ્વામીને ખાતરી આપી હતી કે ભાજપ મને પ૦૦ કરોડ રૂપિયા આપે તો પણ હું જેડીએસ છોડીને ભાજપમાં નહીં જાઉં.

આ અગાઉ રાહુલ ગાંધીનું આશ્વાસન મળ્યા બાદ મુખ્યપ્રધાન કુમારસ્વામીએ અસંતુષ્ટ ધારાસભ્યોને તેમના વિધાનસભા મતક્ષેત્રમાં વધારાના બજેટની ફાળવણી અને તેમના લાભ માટે અન્ય પગલાં લેવાની ખાતરી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ હાઈકમાન્ડે પૂર્વ મુખ્યપ્રધાન તથા ગઠબંધન સરકારની સંયુક્ત સમન્વય સમિતિના પ્રમુખ સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યપ્રધાન જી. પરમેશ્વર સહિતના રાજ્યના ટોચના નેતાઓને સાઈડલાઈન કરી દીધા છે.

કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યોએ પક્ષના મહાસચિવ કે.સી. વેણુગોપાલ સહિતના રાજ્યના કોઈ પણ નેતા સાથે વાતચીત કરવાનો સાફ ઈનકાર કરી દેતાં આખરે મુખ્યપ્રધાન કુમારસ્વામીએ જ મેદાનમાં ઊતરવું પડ્યું હતું.
સૂત્રોના કહેવા પ્રમાણે પ્રદેશ ભાજપ અધ્યક્ષ બી.એસ. યેદિયુરપ્પાએ હરિયાણાના ગુરગ્રામના એક રિસોર્ટમાં રોકાયેલા ભાજપના તમામ ધારાસભ્યોને જણાવી દીધું છે કે હવે ઓપરેશન લોટસ સ્થગિત કરી દેવામાં આવ્યું છે.

divyesh

Recent Posts

વિધાનસભા તરફ શિક્ષકોની કૂચ રાજ્યભરમાં અનેકની અટકાયત

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નોના મુદ્દે આજે ગાંધીનગર વિધાનસભાને ઘેરાવ કરવા માટે નીકળેલા સેંકડો…

12 hours ago

PM મોદીને મળ્યો દક્ષિણ કોરિયાનો સૌથી મોટો એવોર્ડ

(એજન્સી) નવી દિલ્હી: સિયોલમાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને દક્ષિણ કોરિયાના સૌથી મોટા ‘શાંતિ પુરસ્કાર’થી નવાજવામાં આવ્યાં છે. દુનિયાભરના એક…

12 hours ago

આઇસોલેશન વોર્ડ વગર સ્વાઇન ફ્લૂના દર્દીની સારવાર કરતી હોસ્પિટલને સીલ કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટે અલગ આઇસોલેશન વોર્ડ ન હોવા છતાં ફક્ત કમાણી કરવાના…

12 hours ago

STની હડતાળના બીજા દિવસે પણ હજારો મુસાફરો અટવાઇ ગયા

અમદાવાદ: એસટીના કર્મચારીઓની હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહેતા મુસાફરો હલાકીમાં મુકાયા હતા. સરકારે ખાનગી બસોની વૈકલ્પિક વ્યવસ્થા કરવા…

12 hours ago

શહેરના તમામ 240 બગીચાની જાળવણી માટે નવેસરથી કોન્ટ્રાક્ટ અપાશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ર૪૦ નવા-જૂના બગીચાની જાળવણી માટે નવેસરથી ક્વાયત આરંભાઇ છે. હાલના તંત્ર હસ્તકના…

12 hours ago

હાઉસિંગ કોલોનીના રી ડેવલપમેન્ટમાં લાભાર્થીને 40 ટકા મોટું મકાન મળશે

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરની હાઉસિંગ બોર્ડ હસ્તકની હજારો એકર જમીનમાં ઊભા કરાયેલાં મકાનોનું રી ડેવલપમેન્ટ થઇ શકશે. ૭પ…

12 hours ago