Mission-2019: BJPના ૧૮ પ્રધાન સહિત ૧૦૦ સાંસદની ટિકિટ કપાવાનો ખતરો

નવી દિલ્હી: ભાજપના દોઢ ડઝન પ્રધાનો સહિત ૧૦૦ સાંસદની ટિકિટો કપાવવાનો ખતરો ઝળૂંબી રહ્યો છે. પક્ષનાં વિવિધ રાજ્યના સંગઠન મંત્રીઓએ પોતપોતાનાં રાજ્યના મૂલ્યાંકનમાં સાંસદોની કામગીરી અને પ્રજામાં લોકપ્રિયતાની કસોટી અંગે રિપોર્ટ તૈયાર કર્યો છે. આ તમામને સ્થિતિ સુધારવા માટે છ મહિનાનો સમય આપવામાં આવશે અને સાથે જ તેમના વૈકલ્પિક ઉમેદવારોની શોધ પણ શરૂ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારનાં ચાર વર્ષ સમાપ્ત થતાંની સાથે જ ભાજપમાં લોકસભાની પ્રત્યેક બેઠકની સમીક્ષા કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. સંઘ અને સંગઠનના ફીડબેક, ખાનગી એજન્સીઓના સર્વે અને નમો એપથી પ્રત્યેક વિસ્તારના પ્રત્યેક સંસદસભ્યની માહિતી અને ડેટા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં સૂરજકુંડ ખાતે ભાજપના દેશભરનાં તમામ રાજ્યના સંગઠન મંત્રીઓની બેઠકમાં અનૌપચારિક વિચાર-વિમર્શ બાદ એવો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો હતો કે લોકસભાના ૧૦૪ સાંસદની સ્થિતિ નબળી છે. સાંસદની કામગીરી અને પ્રજાના અભિપ્રાયને તેમાં મુખ્ય આધાર માનવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશના ચાર કેન્દ્રીય પ્રધાનો સહિત ૧૯ સાંસદનો સમાવેશ થાય છે. ત્યારબાદ બીજો નંબર રાજસ્થાનનો આવે છે. બિહાર, મધ્ય પ્રદેશ, ગુજરાત અને કર્ણાટકમાં સાંસદો પ્રત્યેની નારાજગી સામે આવી છે. ઉત્તર પ્રદેશ અને બિહારમાં હજુ વિપક્ષી ગઠબંધનને લઈને વિચાર કરવામાં આ‍વ્યો નથી. અત્યારે માત્ર સાંસદોની સ્થિતિ પર અભિપ્રાય તૈયાર કરવામાં આવી રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ‘નમો એપ’ પર સાંસદોની કામગીરી પર પ્રજા પાસેથી સીધી પ્રતિક્રિયા લઈ રહ્યા છે. પ્રજા પાસેથી સાંસદોની કામગીરી સાથે તેમની લોકપ્રિયતા અને વિસ્તારના સૌથી લોકપ્રિયા નેતા અંગે જાણકારી મેળવવામાં આવી રહી છે.

તેનું મૂલ્યાંકન સંસદના ચોમાસું સત્ર પહેલાં કરવામાં આવશે અને ૨૦૧૯ની ચૂંટણી માટે જાન્યુઆરીમાં ઉમેદવારો નક્કી થશે. પક્ષના એક ટોચના નેતાએ જણાવ્યું હતું કે જે સાંસદોનાં રિપોર્ટકાર્ડ ખરાબ છે તેમને છ મહિનાનો સમય આપવામાં આવશે. આ દરમિયાન આ વિસ્તારમાં વૈકલ્પિક ઉમેદવારનું નામ પણ નક્કી કરવામાં આવશે.

You might also like