ભાજપ-RSSમાં મંથન શરૂઃ આર્થિક સ્થિતિ અને નીતિની સમીક્ષા થશે

નવી દિલ્હી: ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો સાથે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પણ કમર કસી રહ્યો છે. સોમવારથી શરૂ થયેલી સંઘની બેઠકમાં કેન્દ્રની મોદી સરકાર અને ભાજપની કામગીરીની સમીક્ષા શરૂ થઈ ગઈ છે. આ સમન્વય બેઠકમાં આજે પેટ્રોલ-ડીઝલના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટનો મુદ્દો પણ ચર્ચાશે. સંઘ સાથે સંકળાયેલાં વિવિધ સંગઠનો અને ભાજપ વચ્ચે ત્રણ િદવસ ચાલનારી આ સમન્વય બેઠકના પ્રથમ દિવસે ભાજપના અધ્યક્ષ અમિત શાહની સાથે પાંચ પ્રધાનો-પ્રકાશ જાવડેકર, જે. પી. નડ્ડા, મેનકા ગાંધી, મહેશ શર્મા અને રાજ્યવર્ધનસિંહ રાઠોડના મંત્રાલયને લઈને ચર્ચા થઈ હતી.

અમિત શાહની સાથે ભાજપ વતી મહામંત્રી રામલાલ, રામ માધવ અને વિનય સહસ્રબુદ્ધે હાજર હતા, જ્યારે સંઘ તરફથી સહસરકાર્યવાહ કૃષ્ણાગોપાલ અને સંગઠનના અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા. સંઘ સાથે સંકળાયેલ એબીવીપી, એકલ વિદ્યાલય, સેવા ભારતી, આરોગ્ય ભારતી, રાષ્ટ્રીય સેવિકા સમિતિ, વિદ્યા ભારતી અને સંસ્કાર ભારતી વગેરે સંગઠનોએ ભાગ લીધો હતો.

આજે બીજા દિવસની બેઠકમાં એર ઈન્ડિયાના ડિસઈન્વેસ્ટમેન્ટની સાથે સાથે પેટ્રોલ-ડીઝલની કિંમતનો મુદ્દો પણ ચર્ચાશે. બેઠકમાં મોદી સરકાર વતી નાણાપ્રધાન પીયૂષ ગોયેલ, વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુ પણ હાજર રહેશે. આ ઉપરાંત બેઠકમાં સંઘ સંલગ્ન સંગઠનો-ભારતીય મજદૂર સંઘ, કિસાન સંઘ, લઘુ ઉદ્યોગ ભારતી, સ્વદેશી જાગરણ મંચ પણ હાજર રહેશે.

સંઘ અને ભાજપ વચ્ચે સમન્વય બેઠકમાં ચર્ચા માટે વિવિધ મંત્રાલય સાથે સંકળાયેલ ગ્રૂપની રચના કરવામાં આવી છે, જેમાં સેવા સમૂહ, વૈચારિક સમૂહ, આર્થિક સમૂહ, શિક્ષણ સમૂહ, સામાજિક સમૂહ વગેરેનો સમાવેશ થાય છે.

You might also like