ભાજપ સરકાર દલિત વિરોધીઃ પીડિતોને સરકારી નોકરી અાપો

રાજકોટઃ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે ઉના પીડિતોની મુલાકાતે ગુજરાત આવ્યાં છે. જેઓ પ્રથમ રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓ અત્યાચારનો ભોગ બનેલા પીડિત દલિતો અને તેમના પરિવારજનોને મળ્યા હતા. તેમની આપવીતી સાંભળી હતી.

પીડિત દલિતોને મળ્યા બાદ અરવિંદ કેજરીવાલે નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં નિર્દોષો પર અત્યાચર વધી રહ્યો છે. ભાજપ દલિતો પર દમન કરી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે અત્યાચારીઓને સખ્તમાં સખ્ત સજા થવી જોઇએ. સાથે પીડિતોને સરકારી નોકરી પણ આપવી જોઇએ. સરકારના ઇશારે દલિતો પર આ રીતના દમન થઇ રહ્યાં છે. ત્યારે સરકારની માનસિકતાને સમજી શકાતી નથી. લોકો આનંદીબહેન સરકારને પાઠ ભણાવશે. તેમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું છે.

અરવિંદ કેજરીવાલે રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.   કેજરીવાલે પીડિતોને બનતી તમામ મદદ માટે ખાતરી આપી છે. દલિતકાંડ મુદ્દે 17 લોકોને માત્ર દેખાવ પૂરતા જ પડડવામાં આવ્યાં છે તેવું પણ તેમણે કહ્યું છે.

અરવિંદ કેજરીવાલ સાથે આસુતોષ પણ પીડિત પરિવારોની મુલાકાતે આવ્યા છે. રાજકોટથી અરવિંદ કેજરીવાલ પીડિત દલિત પરીવારને મળવા માટે ઉના જવા રવાના થઇ ગયા છે. ત્યાં મોટા સમઢીયાળા ખાતે પીડિત પરિવારની મુલાકાત લેશે. કેજરીવાલે જૂનાગઢનો પ્રવાસ રદ્દ કર્યો છે. દલિતોના ઉગ્ર આક્રોશ વચ્ચે પથ્થરમારાનો ભોગ બનેલ અને મૃત્યુ પામેલ પોલીસ કર્મીના ઘરે તેમના પરિવારને મળવા માટે પણ અરવિંદ કેજરીવાલ જવાના છે.

You might also like