વરુણ ગાંધી અને સ્વામીને ભાજપના અધ્યક્ષ અમિત શાહની ચેતવણી

નવી દિલ્હી: ભાજપના અધ્યક્ષ અમિત શાહે વરુણ ગાંધી અને સુબ્રમણ્યમ સ્વામીને કડક ચેતવણી આપી છે. આ ચેતવણી બંનેનાં નિવેદનોને લઈને જારી કરવામાં આવી છે. આ વખતે વરુણ ગાંધી રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં પણ ગેરહાજર રહ્યા હતા. ચેતવણી આપવાનું કારણ વરુણ ગાંધીના કેટલાંક મોટાં નિવેદનો છે. જેમાં તેમણે સરકારની નીતિઓની ટીકા કરી છે. એક વાર વરુણ ગાંધીએ જણાવ્યું હતું કે નાના-નાના ખેડૂતોને દેવાંને કારણે આત્મહત્યા કરવી પડે છે, જ્યારે મોટા ઉદ્યોગપતિઓ બેન્કોના કરોડો રૂપિયા લઈને વિદેશ નાસી જાય છે.

ઉત્તર પ્રદેશના સુલતાનપુરના સાંસદ વરુણ ગાંધીનું આ નિવેદન ત્યારે આવ્યું હતું જ્યારે ભાજપ પાંચ રાજ્યમાં ચૂંટણી લડી રહ્યો હતો. ભાજપનું માનવું છે કે વરુણ ગાંધીએ ભાજપને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી આવું નિવેદન કર્યું હતું.
ભાજપે યુપીમાં વિજય બાદ હવે વરુણ ગાંધીને સુધરવાની એક વધુ તક આપી છે અને એટલા માટે જ વરુણ ગાંધીને માત્ર કડક ચેતવણી આપવામાં આવી છે. હવે જો વરુણ ગાંધી સરકાર અને પક્ષથી અલગ નિવેદન આપશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહ વરુણ ગાંધીની સાથે સાથે સુબ્રમણ્યમ સ્વામીનાં નિવેદનો પર પણ નારાજ છે. એટલા માટે સ્વામીને બોલાવીને કડક ચેતવણી આપવાના આદેશ અમિત શાહે જારી કરી દીધા છે. પક્ષના અધ્યક્ષ અમિત શાહની આ ચેતવણી પરથી સ્પષ્ટ નિર્દેશ મળે છે કે ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં સરકારની રચના બાદ ભાજપ હવે કોઈ પણ પ્રકારની ગેરશિસ્ત સાંખી લેવાના મૂડમાં નથી.

http://sambhaavnews.com/

You might also like