ભાજપની આજે બે મહત્વની બેઠકોઃ શ્રેણીબદ્ધ મુદ્દા રહેશે

અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં હાર બાદ આજે ભાજપની બે મહત્વપૂર્ણ બેઠક એક જ દિવસમાં યોજાનાર છે જે પૈકીની પ્રથમ બેઠક બપોરના ગાળામાં યોજાશે અને બીજી બેઠક સાંજે યોજાશે. બપોરમાં ભાજપના પ્રદેશ હોદ્દેદારોની બેઠક યોજાશે જ્યારે સાંજે ભાજપની પ્રદેશ બેઠક યોજાશે. ગાંધીનગરના કોબા સર્કલ પાસેના પ્રદેશ કાર્યાલય કમલમમાં આ બેઠક યોજાશે જેમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત રહેનાર છે.

બેઠકમાં પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, પ્રદેશ પ્રભારી ડો. દિનેશ શર્મા, પુરુષોત્તમ રૂપાલા તથા પ્રદેશ મહામંત્રીઓ અને સંગઠનના દિગ્ગજો હાજર રહેશે. હાલમાં જ મળેલી પીછેહઠના સંદર્ભમાં મળનારી પ્રદેશની બે મહત્વની બેઠકોમાં ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરાશે. તેમજ વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપને વધુ  મજબૂત કરવાની દિશામાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાશે અને વ્યૂહરચના નક્કી કરાશે. આજે બપોરે બે વાગ્યે મળનારી પ્રદેશ બેઠકનાં એજન્ડા નક્કી કરાશે.

પ્રદેશ સંગઠનને લગતાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવાશે. સાંજે પાંચ વાગ્યે જિલ્લા પ્રમુખો, મહામંત્રીઓ સહિત જિલ્લા આગેવાનોની હાજરીમાં યોજાનારી પ્રદેશ બેઠકમાં જે આગેવાનોને ચૂંટણીલક્ષી જવાબદારીઓ સોંપવામાં આવી હતી તેમની પાસેથી ચૂંટણીમાં હાર જીતનાં કારણોની પૃચ્છા કરાશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપ ક્યાં નબળું પડ્યું અને તેનાં કારણો શું હતાં તે અંગે ગંભીરતાથી મનોમંથન કરવામાં આવશે. આ બેઠકમાં સંગઠનની સંરચનાને પણ આગળ ધપાવવાની પ્રક્રિયાહાથ ધરવામાં આવશે જેમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે સૌપ્રથમ નવા પ્રદેશ પ્રમુખની વરણી કરાયા બાદ બાકી રહેલાં પ્રદેશ સંગઠનની રચનાનું કામ પછીથી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળે છે.

You might also like