યુપી પેટાચૂંટણીની હાર બાદ ભાજપ સંસદીય દળની બેઠક, PM કરશે સંબોધન

ઉત્તર પ્રદેશમાં હાલમાં યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના કારમા પરાજય બાદ ભાજપની સૌથી મોટી બેઠક શુક્રવારે યોજાવા જઇ રહી છે. દીનદયાલ ઉપાધ્યાય માર્ગ સ્થિત ભાજપના નવા કાર્યાલય ખાતે સંસદીય દળની બેઠક મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બધા મંત્રીઓને ઉપસ્થિત રહેવા કહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. આ બેઠકમાં પીએમ મંત્રીઓને લોકો વચ્ચે સરકારની યોજનાઓ અંગેની જાણકારી પહોંચાડવાની વાત જણાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાજપના ગઢ સમાન યુપીની ગોરખપુર બેઠક પર ભાજપની હાર બાદ આગામી 2019ની લોકસભાની ચૂંટણીને લઇને પક્ષમાં પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

ત્યારે પીએમ મોદી આગામી 2019 લોકસભાની ચૂંટણીને લઇને નવી રણનીતિ અંગે આ સંસદીય દળની બેઠકમાં ચર્ચા કરે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ સંસદીય દળની બેઠકમાં આગામી થોડા રાજ્યમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને પણ ચર્ચા હાથ ધરાશે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.

યુપીની પેટા ચૂંટણી બાદ ભાજપની આ પ્રથમ બેઠક છે. આ હારથી ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ યુપીના પરિણામ બાદ જણાવ્યું હતું કે પેટા ચૂંટણીમાં થયેલી હાર અંગે સમીક્ષા કરવામાં આવશે.

You might also like