BJP સંસદીય દળની બેઠકમાં PM મોદી બન્યાં ભાવુક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકને સંબોધન કર્યું હતું. પીએમ નરેન્દ્ર મોદી બેઠકને સંબોધન કરતા બે વખત ભાવુક થઇ ગયા હતા. પીએમએ સાંસદોને સંબોધન કરતાં જુના દિવસો યાદ કર્યા હતા. ગુજરાત-હિમાચલની જીતને લઇને પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતમાં મોટા-મોટા નેતાઓ પાર્ટી છોડીને જતા રહ્યાં, પરંતુ પાર્ટી હજુ પણ મજબુતી સાથે ઉભો છે. પીએમએ કહ્યું કે ચૂંટણીમાં પક્ષના કાર્યકરોએ ઘણી મહેનત કરી છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહના કામકાજની પ્રશંસા કરી હતી.

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં જીત મળ્યા બાદ ભાજપામાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં જ બંને રાજ્યોમાં નવી સરકારનું ગઠન કરવામાં આવશે. આ વચ્ચે ભાજપ સંસદીય દળની બેઠક મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભાજપ સંસદીય દળની બેઠકને સંબોધન કરશે.

આજરોજ શરૂ થયેલ ભાજપ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહને લાડુ ખવડાવી જીતની શુભેચ્છા પાઠવી અને અભિનંદન આપ્યા. આ અવસર પર સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે પણ ગુજરાત અને હિમાચલમાં જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના અધ્યક્ષ અમિત શાહને અભિનંદન આપ્યા છે.

આશા છે કે ગુજરાત અને હિમાચલમાં પક્ષની જીત બાદ બંને નેતાઓ આવનાર ચૂંટણી અને મિશન 2019ની તૈયારી માટે નવો મંત્ર આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ, ગૃહપ્રધાન રાજનાથસિંહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ આ બેઠકમાં ભાગ લેવા પહોંચ્યા છે.

You might also like