ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની આજે બેઠક યોજાશે

અમદાવાદ: મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને આજે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પદાધિકારીઓની પસંદગી આ બેઠકમાં કરાશે. બેઠકની અધ્યક્ષતા પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુ કરશે. ભાજપના સૂત્રોનાં જણાવ્યા મુજબ, કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની પુત્રી સોનાક્ષી જેટલીના નવી દિલ્હી ખાતે લગ્ન યોજાયા હતા. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના અનેક દિગ્ગજો હાજર રહ્યાં હતાં હવે આગામી તા. નવ ડિસેમ્બરે રિસેપ્શનનું આયોજન કરાયું છે.

અગાઉ ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક તા. ૯ અને ૧૦ ડિસેમ્બર એમ બે દિવસ માટે મળવાની હતી. પરંતુ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીના પરિવારમાં લગ્ન પ્રસંગ હોઇ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. હવે તા. ૯ અને ૧૦ એમ સળંગ બે દિવસીય બેઠકને બદલે એક દિવસ અગાઉએટલે કે આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. આવતીકાલની બેઠકમાં અમદાવાદ મનપા સહિત રાજ્યની છ મનપાના મેયર, ડેપ્યૂટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, પક્ષના નેતા એમ ટોચના પદાધિકારીઓની પસંદગી કરાશે. આ ઉપરાંત નગરપાલિકા અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતોના પદાધિકારીઓની પસંદગીની કવાયત હાથ ધરાશે. ત્યારબાદ બુધવાર તા. ૯ ડિસેમ્બરે પ્રદેશ ભાજપના ટોચના નેતાઓ દિલ્હી ખાતેના રિસેપ્શનના કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પણ દિલ્હી જશે. જેના કારણે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગુરુવાર, તા. ૧૦ ડિસેમ્બરે ફરીથી મળશે. પક્ષની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ઉપસ્થિત રહેશે.

પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુ બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરષોત્તમ રૃપાલા, આઇ. કે. જાડેજા સહિતના પક્ષના ઉપાધ્યક્ષો, મનસુખ માંડવિયા સહિતના પ્રદેશ મહામંત્રીઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જે તે સ્થાનિક સ્વરાજની સંસ્થા પદાધિકારીઓની પસંદગી દરમ્યાન શહેર પ્રભારી કે જિલ્લા પ્રભારી મંત્રી ઉપસ્થિત રહેશે.

You might also like