આજથી ભાજપની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની મહત્વની બેઠક

નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે અમિત શાહની ફરી વરણી થયા બાદ પ્રથમવાર યોજાઈ રહેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠકનો આજથી આરંભ થઈ રહ્યો છે.આ બેઠકમાં મોદી સરકાર ગરીબ ખેડૂતો અને યુવાનો સંબંધિત યોજનાઓને ઘેરઘેર પહોંચાડવાનો નિર્ણય કરે તેવી આશા છે.

આ બેઠકમાં દેશના વર્તમાન રાજકારણ મુદે પણ ચર્ચા કરવામા આવશે. વડા પ્રધાન મોદી આવતી કાલે બેઠકને સંબોધન કરશે. ઉચ્ચ સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં બે ઠરાવ પસાર થવાની આશા છે. તેમાં એક પ્રસ્તાવ ગામ, ગરીબ અને કિસાનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા બજેટને લઈને થશે. અને બીજો પ્રસ્તાવ દેશની વર્તમાન રાજકીય સ્થિતિ અંગે કરવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં ગામ,ગરીબ અને ખેડૂતને ધ્યાનમાં રાખી બનાવવામાં આવેલા બજેટ બદલ નાણાં પ્રધાનને ધન્યવાદ આપવામાં આવશે. પરંતુ તેને સંબંધિત પ્રસ્તાવમાં મોદી સરકારની છેલ્લાં બે વર્ષની આર્થિક સિદ્ધિઓનો ઉલ્લેખ કરવામાં આવશે.

આ પ્રસ્તાવમાં ખાસ કરીને જનધન યોજના, અટલ પેન્શન યોજના, પાક વીમા યોજના,અટલ પેન્શન યોજના તેમજ મુદ્રા યોજના જેવી ગરીબો અને યુવાનો માટે શરૂ કરવામાં આવેલી મહત્વની યોજનાઓને ઘેર ઘેર સુધી પહોંચાડવા નિર્ણય લેવામાં આવશે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે સરકારની આ યોજનાઓ અને તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બજેટથી ગ્રામીણ વિસ્તારોનો વિકાસ થઈ શકશે. પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને આ યોજનાઓ પ્રત્યે જનતાને જાગૃત કરવી પડશે.

રાજનીતિ અંગેના પ્રસ્તાવમાં રાષ્ટ્રવાદ અંગે ચાલી રહેલી વર્તમાન ચર્ચા અને તેના રાજકીય પરિણામો વિશે ચર્ચા થશે. તેમાં કોંગ્રેસ અને ડાબેરીઓના વિરોધાભાસી જોડાણને ખુલ્લું પાડવામાં આવશે. એક તરફ પશ્વિમ બંગાળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ સાથે મળી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે બીજી તરફ કેરળમાં આ બંને સામસામે ચૂંટણી લડે છે. તે બાબત પર આ પ્રસ્તાવમાં ખાસ ચર્ચા કરવામાં આવશે.

You might also like