નવી દિલ્હીમાં ભાજપની બેદિવસીય રાષ્ટ્રીય કારોબારીનો થયેલો આરંભ

નવી દિલ્હી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે આજે નવી દિલ્હીમાં એનડીએમસી કન્વેન્શન સેન્ટર ખાતે ભાજપની બેદિવસીય રાષ્ટ્રીય કારોબારીનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે ભાજપની મહત્ત્વની બેદિવસીય રાષ્ટ્રીય કારોબારીનો આરંભ થયો છે. પાંચ રાજ્યની ચૂંટણીના સંદર્ભમાં ભાજપની આ રાષ્ટ્રીય કારોબારીનું રાજકીય મહત્ત્વ સવિશેષ છે. બે દિવસની આ બેઠકમાં ચૂંટણીમાં ભાજપના એજન્ડા પર ચર્ચા-વિચારણા થશે. ભાજપ માટે પાંચ રાજ્યની ચૂંટણી જીતવી મહત્ત્વની છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશની ચૂંટણી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીની દૃષ્ટિએ ખાસ મહત્ત્વ ધરાવે છે. આમ, ભાજપ બે દિવસની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યની ચૂંટણી માટે રણનીતિ ઘડશે.

રાષ્ટ્રીય કારોબારીની બેઠક શરૂ થતાં પહેલાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં પદાધિકારીઓ અને રાજ્યના પ્રદેશ પ્રમુખોની બેઠક યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય કારોબારીના એજન્ડાને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. અમિત શાહ રાષ્ટ્રીય કારોબારીને પોતાના ભાષણમાં કાળું નાણું અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ લેવામાં આવેલ મોદી સરકારનાં નોટબંધીનાં પગલાંની પ્રશંસા કરીને વિરોધ પક્ષના આ મામલામાં વલણની ટીકા કરશે.

http://sambhaavnews.com/

You might also like