લીમખેડા ભાજપના ધારાસભ્યના પુત્રનો ભેદી સંજોગોમાં ગળેફાંસો ખાઈ અાપઘાત

અમદાવાદ: દાહોદના લીમખેડા મતવિસ્તારના ભાજપના ધારાસભ્યના યુવાન પુત્રએ રહસ્યમય સંજોગોમાં અાત્મહત્યા કરી લેતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પોલીસે અાપઘાતનો ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે દાહોદના લીમખેડા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય વિછ્યાભાઈ ભુરિયાના ૩૦ વર્ષના પુત્ર હરિકિશને અગમ્ય કારણસર ગઈ મોડી રાતે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. હ‌િરકિશનભાઈ તેના પરિવાર સાથે લીમખેડા નજીક અાવેલ હાડી ગામે રહેતા હતા. સગાં-સંબંધીમાં કોઈ લગ્ન પ્રસંગ હોવાથી ઘરના તમામ સભ્ય લગ્ન પ્રસંગમાં ગયા હતા.

છેલ્લા કેટલાક દિવસથી હતાશા ભોગવતા હ‌િરકિશનભાઈએ ઘરના સભ્યો પ્રસંગમાં જતાં એકલતાનો લાભ લઈ પોતાના ઘરમાં જ અાત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં લીમખેડા પોલીસે તાત્કા‌િલક પહોંચી જઈ લાશને પીએમ માટે મોકલી અાપી સઘન તપાસ શરૂ કરી છે. અાપઘાત કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે એક વર્ષ અગાઉ વિછ્યાભાઈના પત્નીનું અને અાઠ મહિના અગાઉ તેમની પુત્રીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ ૨૦ દિવસ પહેલા તેમના મોટા પુત્રનું પણ અકસ્માતમાં મોત થયું હતું અને ગઈકાલે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતી સરપંચ બનેલા નાના પુત્ર હરીકિશને અાત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે.
http://sambhaavnews.com/

You might also like