BJPના ધારાસભ્ય સંગીત સોમના મેરઠ સ્થિત ઘર પર ફાયરિંગ બાદ ગ્રેનેડથી હુમલો

મેરઠ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સરધનાના ધારાસભ્ય સંગીત સોમના મેરઠ સ્થિત ઘર પર બુધવારની મોડી રાતે કેટલાક અજાણ્યા લોકોએ ઓચિંતો હુમલો કરતાં ચકચાર મચી ગઈ છે. છાવણી ક્ષેત્રમાં સિક્યોરિટી કવરને તોડીને કારમાં સવાર અડધો ડઝન લોકોએ સંગીત સોમના આરએ લાઈન્સ સ્થિત નિવાસસ્થાન પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

ફાયરિંગ બાદ બદમાશોએ ધારાસભ્યના ઘરની અંદર હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યો હતો, જોકે સદ્નસીબે ગ્રેનેડ ફૂટ્યો ન હતો. અજાણ્યા હુમલાખોરોએ સંગીત સોમના સિક્યોરિટી ગાર્ડ પર પ ગોળીઓ ચલાવી હતી પણ તેનો બચાવ થયો હતો. હુમલો થયો એ સમયે સંગીત સોમ તેમના ઘરમાં જ હતા. ગ્રેનેડ ફેંક્યા બાદ આરોપીઓ કમિશનર આવાસ તરફ નાસી છૂટ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને નાકાબંધી કરીને તમામ વાહનોની તલાશી લેવાનું શરૂ કર્યું હતું. હુમલા બાદ એસએસપી અખિલેશ કુમાર, એસપી (સિટી) રણવિજય સિંહ, એસપી (ગ્રામ્ય) રાજેશકુમાર અને એએસપી સતપાલ સહિતના તમામ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી.

મેરઠના સરધના વિધાનસભા વિસ્તારના ભાજપના ધારાસભ્ય સંગીત સોમનું એક ઘર કેન્ટ એરિયામાં આવેલું છે. સંગીત સોમ મોડી રાતે ૧ર વાગ્યાની આસપાસ તેમના આ ઘરે પહોંચ્યા હતા. તેઓ ઘરે પહોંચ્યા તેની થોડી મિનિટો બાદ જ હુમલો થયો હતો.

તેમના કાફલાની પાછળ જ એક સ્વિફ્ટ કાર આવી રહી હતી, પરંતુ કોઈએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. પીછો કરી રહેલી કારમાં બુકાનીધારી શખ્સો બેઠા હતા અને તેમણે સંગીત સોમના ઘરના મેઈન ગેટ પર તહેનાત સુરક્ષાકર્મીઓ ઉપર ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

એક બુકાનીધારી હુમલાખોરે ઘરની અંદર ઘૂસવાની કોશિશ કરી હતી પણ તે નિષ્ફળ ગયો ત્યારે તેણે હેન્ડ ગ્રેનેડની પિન કાઢીને ગ્રેનેડ ઘરની અંદર ફેંક્યો હતો, જોકે ગ્રેનેડ ફૂટ્યો ન હતો અને તમામ લોકો સલામત રીતે બચી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમને પણ બોલાવી લીધી હતી.

સંગીત સોમે આ હુમલા અંગે જણાવ્યું હતું કે હું ઘરે પહોંચીને આરામ કરી રહ્યો હતો ત્યારે આ હુમલો થયો હતો. મારી કોઈ સાથે અંગત દુશ્મની નથી. મને કોઈ પ્રકારનો થ્રેટ કોલ (ધમકીભર્યો ફોન) આવ્યો નથી. બે વર્ષ પહેલાં વિદેશથી આવેલા એક ફોન કોલમાં મળેલી ધમકીમાં મને કહેવામાં આવ્યું હતું કે મારા ઉપર ગ્રેનેડથી હુમલો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય સંગીત સોમ અવારનવાર તેમનાં નિવેદનોના કારણે ચર્ચામાં રહે છે.

કેન્ટ જેવો અતિસુરક્ષિત ગણાતો વિસ્તાર અને ઝેડ કેટેગરીની સુરક્ષા વચ્ચે પણ ધારાસભ્ય સંગીત સોમને હેન્ડ ગ્રેનેડથી ઉડાવી દેવાની કોશિશ થતાં સુરક્ષા વ્યવસ્થાની પોલ પણ ખૂલી ગઈ છે. હુમલો થયો ત્યારે મેઈન ગેટ પર સિપાહી સંજીવ ભારતી તહેનાત હતો. અજાણી કારને જોઈને સંજીવ સતર્ક થઈ ગયો હતો.

એ દરમિયાન કારમાંથી કાળો શર્ટ પહેરેલો એક બુકાનીધારી યુવક ઊતર્યો હતો અને તેણે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસે સંજીવ ભારતીના વર્ણનના આધારે આરોપીઓના સ્કેચ બનાવવાની કવાયત પણ શરૂ કરી છે.

You might also like