યુપીમાં ભાજપના ધારાસભ્ય પર જીવલેણ હુમલોઃ પોલીસ ચોકીમાં ભાગીને જીવ બચાવ્યો

ગાઝિયાબાદ: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં અપરાધીઓ ફરતે ગાળિયો મજબૂત કરવાનો દાવો કરી રહ્યા છે તો બીજી બાજુ રવિવારે રાત્રે લોનીના ભાજપના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર પર કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ઘાતકી હુમલો કરતાં ખળભળાટ મચી ગયો છે.

આ ઘટના મુખ્યપ્રધાન યોગીના ગાઝિયાબાદથી પરત આવ્યાના થોડા કલાકો બાદ થઈ હતી. લોનીના ધારાસભ્ય નંદકિશોર ગુર્જર જ્યારે મેરઠથી પરત આવી રહ્યા હતા ત્યારે તેમના પર આ જીવલેણ હુમલો થયો હતો.

શાહીબાબાદ પોલીસ સ્ટેશનના ફરુખનગર ગંગનગર પાઈપ લાઈન પર હિન્ડન નદીના પુલ નજીક રવિવારે રાત્રે ૧૦.૩૦ કલાકની આસપાસ બે બાઈક પર આવેલા ચાર હુમલાખોરોએ ધારાસભ્ય નંદકિશોર ગુર્જરની ગાડી પર અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જોકે ધારાસભ્યના અંગત સુરક્ષાકર્મીએ વળતું ફાયરિંગ કર્યું હતું. કારને ભગાવીને ફરુખનગર પોલીસ ચોકી પહોંચી ગયા હતા જેના કારણે ધારાસભ્યનો જીવ બચી ગયો હતો.

નંદકિશોર ગુર્જર મેરઠના મવાનામાં આરએસએસની બેઠકમાં હાજરી આપીને પોતાનાં ગનોલીગાંવ પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કારને નિશાન બનાવીને ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કર્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

You might also like