મુંબઇ: ભાજપ સ્થાપના દિવસ પર અમિત શાહે કાર્યકર્તાઓને કર્યું સંબોધન…

કેન્દ્ર સહિત દેશના ઘણા રાજ્યમાં સત્તા પર આરૂઢ ભારતીય જનતા પાર્ટી આજે પોતાનો 39માં સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે. ભાજપ તેના આ સ્થાપના દિવસની ધામધૂમથી ઉજવણી કરી રહ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુંબઇમાં એક રેલીને સંબોધન કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 5 સંસદીય વિસ્તારના કાર્યકર્તાઓ સાથે એપ દ્વારા સીધો સંવાદ કરશે.  રેલીને સંબોધન કરતાં પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે કહ્યું ભારતના લોકતંત્રના ઇતિહાસમાં ભાજપના કાર્યકર્તાઓએ સૌથી વધારે બલિદાન આપ્યું છે. અમિત શાહે કાર્યકર્તાઓને પક્ષના સાચા સિપાહી બતાવ્યા છે. 38 વર્ષ અગાઉ અટલજીએ મુંબઇમાં ભાજપની સ્થાપના કરી હતી. ત્યારે અટલજીએ કહ્યું હતું કે અંધારૂ દૂર થશે, સૂરજ ઉગશે અને કમળ ખિલશે. આજે દેશભરમાં કમળ ખિલી ગયું છે.

અમિત શાહે કહ્યું કે જ્યારે પૂર આવે છે ત્યારે જંગલમાં દરેક વૃક્ષ પડી જાય છે પરંતુ વટ વૃક્ષ હંમેશા ઉભુ રહે છે. જ્યારે પૂર આવે છે ત્યારે સાપ-કુતરુ-બિલાડી બધા પોતાને બચાવવા ઝાડ પર ચઢી જાય છે. અમિત શાહે જણાવ્યું કે મોદીની લહેરથી સાંપ-નોળિયો-કુતરો એક સાથે ચૂંટણી લડી રહ્યાં છે. આજે પીએમ મોદીજીના નેતૃત્વમાં ભાજપની સરકાર 20થી વધારે રાજ્યોમાં છે. 2019માં એક વાર ફરી ભાજપ બહુમતિ સાથે સરકાર બનશે.

અમિત શાહે કહ્યું કે આપણો પક્ષ 10 સભ્યોથી શરૂ થયો હતો જે આજે 11 કરોડ સુધી પહોંચી ગયો છે. પહેલા આપણા 2 લોકસભાના સભ્યો હતા જ્યારે આજે આપણે એકલા હાથે બહુમતથી સરકાર ચલાવીએ છીએ. અમિત શાહે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. મુંબઇમાં આયોજીત આ રેલીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆતમાં ભાજપના મોટા નેતાઓનું ભાષણ વીડિયો દ્વારા બતાવામાં આવ્યું હતું. આ રેલીને ભાજપ તરફથી 2019ની ચૂંટણીને લઇને ઘણી મહત્વની બતાવામાં આવી રહી છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ રેલીમાં અંદાજે 3 લાખથી વધારે કાર્યકર્તાઓ આવ્યા હતા.

You might also like