આંદોલન ઉગ્ર બનતાં ભાજપની કોર કમિટીની બેઠક

ઊનાના દલિત યુવાનો પર થયેલા અત્યાચારના મુદ્દે આજે રાજ્યભરમાં દલિત સમાજ દ્વારા બંધનું એલાન અપાયું છે. જેને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. દલિતોનું આંદોલન ઉગ્ર બનતાં ભાજપ દ્વારા સરકારને નુકસાન ન પહોંચે તે માટે કોર કમિટીની એક અગત્યની બેઠક પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી.

રાજ્યમાં ઊનાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેને કારણે રાજ્યમાં દલિતો દ્વારા આંદોલનને ઉગ્ર બનાવામાં આવ્યું છે. જેને પગલે સત્તાધારી ભાજપ દ્વારા સરકારને થતાં નુકસાનને અટકાવવા માટે કાર્યવાહી આરંભી છે. જેના ભાગરૂપે ભાજપ પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ આજે સવારે ૧૧ વાગે કોર કમિટીની બેઠક બોલાવી હતી. જેમાં રાજયના સિનિયર પ્રધાન નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શંકર ચોધરી તેમજ પક્ષના અન્ય હોદ્દેદારો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેમાં દલિત આંદોલનને કાબૂમાં લેવા માટે ચર્ચા વિચારણા હાથ ધરાઇ હતી. આ લખાય છે ત્યારે બેઠક ચાલુ હતી.

You might also like