ભાજપ લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ અને મોદી હિટલર: કેજરીવાલ ભડક્યા

(એજન્સી)નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુગ્રામની ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરો હુમલો કર્યો છે અને જણાવ્યું છે કે, જે રીતે સત્તા માટે હિટલરના ગુંડાઓ લોકોને પીટતા હતા, તેમની હત્યા કરતા હતા, એ જ રીતે મોદી પણ સત્તા માટે આવું બધું કરાવી રહ્યા છે. પીએમ હિટલરના રસ્તે ચાલી રહ્યા છે, પણ મોદી સમર્થકોને એ હકીકત દેખાતી નથી કે આપણું ભારત ક્યાં જઈ રહ્યું છે.

દિલ્હી નજીક આવેલા ગુરુગ્રામમાં હોળીના દિવસે એક મુસ્લિમ પરિવારને કેટલાક બદમાશોએ માર માર્યો હતો અને આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સીએમ કેજરીવાલે તે અંગે ટ્વિટ કર્યું છે અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કેજરીવાલે જણાવ્યું કે, આ લોકો હિંદુ નથી, હિંદુઓના વેશમાં ગુંડા છે.

તેમનો પક્ષ (ભાજપ) લુચ્ચા, લફંગા, ગુંડાઓની ફોજ છે. તેમનાથી દેશ અને હિંદુ ધર્મ બંનેને બચાવવા એ ભારતવાસીઓની ફરજ છે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે આ ઘટના અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તીખા શબ્દોનો પ્રહાર કરતાં જણાવ્યું છે કે, જે રીતે સત્તા માટે હિટલરના ગુંડાઓ ત્રાસ વર્તાવતા હતા એ જ રીતે મોદી પણ સત્તા માટે આ બધું કરાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુરુગ્રામના ભોંડસીના ભૂપસિંહનગર વિસ્તારમાં મુસ્લિમ પરિવારના કેટલાક બાળકો સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે ઘરની બહાર ક્રિકેટ રમી રહ્યા હતા. રમવા અંગે કોઈ વિવાદ થયો અને ત્યારબાદ ૩૦થી ૩૫ બદમાશોએ શાહિદ નામના શખસને નિર્દયતાથી માર માર્યો હતો.

આ દરમિયાન મુસ્લિમ પરિવારની મહિલાઓ અને બાળકો સતત મદદ માટે ભીખ માગતા રહ્યા, પણ ગુંડાઓને રોકવાની હિંમત કોઈએ કરી ન હતી. ગુંડાઓના બેફામ મારથી શાહિદ બેભાન થઈ ગયો હતો. હરિયાણા પોલીસે પીડિત પરિવારની ફરિયાદ નોંધી છે અને લગભગ ૧૨ લોકો સામે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

હિટલર પણ સત્તા માટે આ બધું જ કરતો હતો. હિટલરના ગુંડાઓ લોકોને નિર્દયતાથી મારતા હતા અને પોલીસ પીડિતો સામે જ કાર્યવાહી કરતી હતી. અત્યારે પણ આવું જ થઈ રહ્યું છે. આ વીડિયો જુઓ, આપણા ક્યા ગ્રંથમાં લખ્યું છે કે, મુસલમાનોને મારો? ગીતામાં, રામાયણમાં કે હનુમાન ચાલીસામાં? આ લોકો હિંદુ નહીં, પણ હિંદુના વેશમાં ગુંડાઓ જ છે.

You might also like