પાસની અગ્નિપરિક્ષા, સુરતમાં આજે મહાસંમેલન

સુરતઃ સુરતમાં આજે રાજસ્વી પાટીદાર સમારોહનું આયોજન થઇ રહ્યું છે. જેમાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નવા પ્રદેશપ્રમુખ જિતુભાઇ વાઘાણી સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના પાટીદાર પ્રધાનો અને ઘારાસભ્યોનું અભિવાદન કરવામાં આવશે.

આ આંદોલન સાથે આજે પાટીદારોની પણ અગ્ની પરિક્ષા રહેશે. જો કે આ કાર્યક્રમનો વિરોધ પાસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યાં છે ત્યારે કોઇ અનઇચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પાસના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર પાસ કન્વીનર લલિત વસોયા અને વરૂણ પટેલ સહિત અગ્રગણીઓની અટકાયત કરવામાં આવી છે. તો ધાર્મિક માલવિયા, રેશ્મા પટેલ જેવા કેટલાક પાસ નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

8 સપ્ટેમ્બરે સાંજે અબ્રામા ખાતેના પી.પી. સવાણી શાળાના ગ્રાઉન્ડ પર પાટીદાર અભિવાદન સમારોહના નેજા હેઠ‌ળ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 38 ધારાસભ્યો અને મંત્રીઓનું સન્માન કરાશે. ત્યારે સતત બે દિવસથી રાજ્ય સરકારના મંત્રી તથા પ્રદેશ ભાજપ અને શહેર ભાજપના હોદ્દેદારોએ પાટીદાર આગેવાનો સાથે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. પીપી સવાણી સ્કૂલ ખાતે વિશાળ ડોમ બનાવવામાં આવી રહ્યો છે.

આ સમારોહમાં 1 લાખ કરતા વધારે લોકોને એકઠાં થાય તેવી શક્યતા છે. પાટીદાર અનામત આંદોલન બાદ પહેલી વખત આડકતરી રીતે ભાજપ સાથે જોડાયેલા પાટીદાર આગેવાનોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેથી કાર્યક્રમને સફળ બને તો સમગ્ર રાજ્યમાં તેનો પોઝિટિવ તેમજ અનામત આંદોલન પૂરું થઇ ગયા જેવો મજબૂત મેસેજ બહાર આવી શકે તેમ છે. જેથી પાટીદાર અભિવાદન સમારોહ સમિતિ આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા ભાજપના તમામ નેતાઓએ પૂરી મથામણ શરૂ કરી દીધી છે.

તો બીજી તરફ આ કાર્યક્રમને અસફળ કરવના પ્રયાસો પણ કેટલાક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. મંગળવારે રાત્રે વરાછા મેઈન રોડ પર લાગેલા કાર્યક્રમના 18 જેટલા પોસ્ટરોને ફાડવામાં આવતાં વાતાવરણ ગરમ થઈ ગયું હતું. પાટીદાર આયોજકો સહિત ભાજપના આગેવાનો દોડતાં થઈ ગયા હતાં. પાસના વિરોધ વચ્ચે યોજાઈ રહેલા કાર્યક્રમના પોસ્ટરો ફાટતાં રાતોરાત નવા પોસ્ટર લગાવવામાં આવ્યાં હતાં. પોસ્ટર તૂટ્યા બાદ પોલીસની એક સ્પેશિયલ ટીમને કામે લગાડી દેવામાં આવી છે.

You might also like