ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠક શરૂ: પાંચ રાજ્યની ચૂંટણીની રણનીતિ મુખ્ય મુદ્દો

નવી દિલ્હી: પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠકનો આજથી પ્રારંભ થયો છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી વખતે પક્ષની રણનીતિ શું રહેશે અને વિપક્ષોને કઈ રીતે હરાવવા તે રહેશે.

સવારે આ બેઠકની શરૂઆતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રીય પ્રદેશ પદાધિકારીઓ અને રાજ્યના અધ્યક્ષ તથા સંગઠન મહામંત્રી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી.

આ ચર્ચામાં ગત રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને તેના પરિણામોના મુદ્દાઓ મુખ્ય રહ્યા હોવાનું પક્ષનાં સૂત્રોએ જણાવ્યું હતું. આ ઉપરાંત આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પક્ષનો એજન્ડા પણ તૈયાર કરવામાં આવ્યો હતો.

ભાજપના પ્રવક્તા શાહનવાઝ હુસેને આ બેઠક અગાઉ જણાવ્યું હતું કે આજે બપોરે ત્રણ વાગ્યે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની મુખ્ય બેઠક શરૂ થશે. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત પક્ષના તમામ દિગ્ગજ નેતાઓ પણ હાજર રહેશે. આ દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહ ભાષણ આપશે.

આ ભાષણમાં પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણી અને ર૦૧૯ની લોકસભા ચૂંટણીની દિશા અને રણનીતિ નક્કી કરવામાં આવશે. બેઠકમાં રાજનૈતિક અને આર્થિક પ્રસ્તાવો પણ પસાર કરવામાં આવશે. બીજા દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમાપન ભાષણ આપશે.

પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીના નિધન બાદ રાષ્ટ્રીય કાર્યકારિણીની આ પ્રથમ બેઠક છે. આ બેઠકની શરૂઆતમાં અટલજીને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલાં ભાજપની આ બેઠક ૧૮ અને ૧૯ ઓગસ્ટે મળવાની હતી, પરંતુ ૧૬ ઓગસ્ટે વાજપેયીનું નિધન થવાના કારણે બેઠક સ્થગિત કરવામાં આવી હતી. આ બેઠકની થીમ ‘સદૈવ અટલ’ રાખવામાં આવી છે.

બેઠકમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. પક્ષનાં સૂત્રોનું કહેવું છે કે આ બેઠકમાં દરેક રાજ્યના અધ્યક્ષ તરફથી રાજ્યનું રિપોર્ટ કાર્ડ રજૂ કરવામાં આવશે.

આ ઉપરાંત બેઠકમાં સરકારની અગત્યની સિદ્ધિઓ, સફળતાઓ ખાસ કરીને માળખાગત વિકાસ માટેની યોજનાઓ, બે કરોડ ગ્રામીણ આવાસની યોજના, ઉજ્જવલા ગેસ કનેક્શન, શૌચાલયની સુવિધાઓ, આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં નોંધાયેલો વધારો જેવા મુદ્દાઓ પર પણ વિસ્તૃત ચર્ચા થશે.

દેશભરમાં એસસી-એસટી એક્ટમાં સંશોધન બાદ જે સ્થિતિ ઊભી થઈ છે અને સવર્ણો-દલિતો વચ્ચે જે ટકરાવ ચાલી રહ્યો છે તેના પર પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. ભાજપ કોઈ જાતિ વિશેષના પક્ષમાં કે વિરુદ્ધમાં બોલવાના બદલે સમરસતાના રસ્તે આગળ વધશે તેવું માનવામાં આવી રહ્યું છે.

દલિતોને આકર્ષિત કરવા અને પક્ષ તરફ ખેંચવા માટે ભાજપએ પહેલી વખત રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક દિલ્હીના આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં યોજી હોવાનું પણ કહેવાય છે. આ બેઠકમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની વિધાનસભા ચૂંટણી માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવશે.

You might also like