ભાજપ પ્રેરિત નોકરમંડળની દિવાળીના ‌તહેવારોમાં હડતાળ પાડવાની ચીમકી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનમાં યુનિયનો વચ્ચે વર્ચસ્વની લડાઇએ માઝા મૂકી દીધી છે. જેના કારણે લોકો બાનમાં મુકાઇ જાય છે. કોંગ્રેસ પ્રેરિત ગુજરાત મઝદૂર સભાના રોજિંદા સફાઇ કામદારો લગભગ સવા મહિનો લાંબી હડતાળ બાદ હવે ભાજપ પ્રેરિત નોકર મંડળે તંત્રને દિવાળીના તહેવારોમાં હડતાળ પાડવાની ચીમકી આપી છે.

ગુજરાત મજદૂર સભા સંલગ્ન ચાર વોર્ડના રોજિંદા કર્મચારીઓ ગત તા.રર ઓગસ્ટ ર૦૧૬થી એક સાથે કાયમી કરવાની માગણીને લઇને અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઊતર્યા હતા. નોકર મંડળે ગત તા.ર ઓક્ટોબર ગાંધી જયંતીએ અચાનક હડતાળ પર ઊતરતાં શહેરભરના રોડ રસ્તાની સફાઇના પડધા છેક ગાંધીનગર સુધી પડ્યા હતા. પ્રધાન શંકર ચૌધરી અને આત્મારામ પરમારે નોકર મંડળના અગ્રણીઓને ગાંધીનગર બોલાવીને તેમની સાથે વાટાઘાટ કરી હતી.
નોકર મંડળે દિવાળીના તહેવારોમાં હડતાળ પાડવાની ચીમકી આપીને તંત્રનું નાક દબાવવાનો પ્રયાસ કર્યો છે. જો કે ગાંધીનગર સ્ટેશન ફરીથી નોકર મંડળ પર દબાણ આવવાથી લાભ પાંચમ બાદ નોકર મંડળ સંલગ્ન દશહજાર સફાઇ કર્મચારીઓ હડતાળ પર ઊતરે તેવી શકયતા છે.

હેલ્થ વિભાગનાં ટોચનાં સૂત્રો કહે છે ‘ચાર વર્ષે ૬૦૦૦ ફુલ ટાઇમ રોજિંદા કર્મચારીઓ કાયમી કરવાનો સત્તાધીશોનો નિર્ણય નોકર મંડળને મંજૂર નથી. નોકર મંડળ એક સાથે તમામ રોજિંદા કર્મચારીને કાયમી કરાવવા માગે છે. અસલમાં આ બે યુનિયન વચ્ચે વર્ચસ્વની લડાઇ છે. જે ઓકટોબરના પ્રારંભમાં હિંસક બની હતી અને ફરીથી હિંસક બને તેવી શકયતા છે.’

You might also like