ભાજપમાં સામેલ થવાના નિર્ણય સામે ર૦ રાજ્યના JD(U)ના નેતા નીતીશને પત્ર લખશે

નવી દિલ્હી: બિહારમાં મહાગઠબંધન તોડી નીતીશ કુમાર એનડીએમાં સામેલ થઈને ફરી વાર બિહારના મુખ્યપ્રધાન બની ગયા છે ત્યારે હવે તેમના જ પક્ષના 20 રાજ્યના જેડી(યુ)ના નેતાઓએ નીતીશના આ નિર્ણયને લઈ પત્ર લખવાની તૈયારી કરી દીધી છે, જ્યારે બીજી તરફ આ મુદ્દે જ શરદ યાદવ પણ તેમનું મૌન તોડે તેવી શક્યતા છે. આ રીતે જેડી(યુ)માં જ આ મામલે ફરી વાર ગરમાવો ફેલાય તેવી શક્યતા છે.

નીતીશના આ નિર્ણયથી પક્ષના વરિષ્ઠ શરદ યાદવ સહિત પક્ષના કેટલાક અગ્રણીઓ પણ નારાજ છે, જોકે આ મામલે શરદ યાદવે હજુ કોઈ જ નિવેદન આપ્યું નથી, પરંતુ આગામી એક-બે દિવસમાં તેઓ આ મુદ્દે તેમની વ્યથા રજૂ કરે તેવી શક્યતા છે. તેથી જો શરદ યાદવ પક્ષ સામે બળવો કરે તો તેની સીધી અસર રાજ્યસભામાં જેડી(યુ)ના સંખ્યાબળ પર પડી શકે તેમ છે. રાજ્યસભામાં હાલ જેડી(યુ)ના 10 સાંસદ છે, જ્યારે શરદ યાદવ પાર્ટીના નેતા છે, જોકે આ અગાઉ રાજ્યસભાના સાંસદો અલી અનવર અને વીરેન્દ્ર કુમાર પણ નીતીશ સામે બંડ પોકારી ચૂક્યા છે. આ ઉપરાંત જીતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા પણ નીતીશથી નારાજ છે. નીતીશે ગત ઓક્ટોબરમાં શરદ યાદવને પાર્ટી પ્રમુખપદ પરથી હટાવીને પક્ષની જવાબદારી સંભાળી હતી પણ ર૭ જુલાઈએ મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપી બીજા જ દિવસે ફરી મુખ્યપ્રધાનના શપથ લઈ લેતાં જેડી(યુ)ના કેટલાક નેતાઓમાં ભારે અસંતોષ ઊભો થયો છે.

જોકે આ મામલે અત્યાર સુધી ચૂપ રહેલા શરદ યાદવ હવે આગળ શું કરે છે તેના પર મદાર છે અને રાજ્યનું રાજકારણ ગમે ત્યારે ફરી બદલાય તેવી શક્યતા છે.

શરદ યાદવના નિવાસે બેઠક મળી
બીજી તરફ ગઈ કાલે શરદ યાદવના નિવાસે આ મુદ્દે બેઠક મળી હતી, જેમાં સીપીઆઈના નેતા ડી રાજા, આરએલડીના પ્રમુખ અજિતસિંહ પણ સામેલ હતા. આ ઉપરાંત ગત શુક્રવારે કોંગ્રેસના ગુલામનબી આઝાદ અને સીપીઆઈ(એમ)ના મહાસચિવ સીતારામ યેચુરી પણ તેમની મલાકાત લઈ ચૂક્યા છે.
http://sambhaavnews.com/

You might also like