ભાજપના પીઢ નેતાઓએ મોવડીમંડળ પ્રત્યે રોષ દર્શાવ્યો

નવી દિલ્હી: બિહારમાં ભાજપને કારમો પરાજય સાંપડ્યો તેના બે દિવસ બાદ પક્ષના પીઢ નેતાઓએ મોવડીમંડળની ઝાટકણી કાઢી છે.
એલ કે અડવાણી, મુરલી મનોહર જોશી, શાંતા કુમાર અને યશવંત સિંહાએ એક સંયુક્ત નિવેદનમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં પક્ષના થયેલા પરાજયની સમીક્ષા કરવાની માગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં થયેલા ધબડકામાંથી પક્ષે પાઠ શીખ્યો નથી.

યશવંત સિંહાએ સહી કરેલા નિવેદનમાં જણાવાયું છે કે પરાજય માટે દરેક જણ જવાબદાર છે તેમ કહેવું એ કોઈને પણ હાર માટે જવાબદાર ન ઠેરવવાનું સુનિશ્ચિત કરવા માટે છે. ટૂંકા પણ કડક શબ્દોના નિવેદનમાં જણાવાયું છે કે બિહાર પરાજયની સમીક્ષા જે લોકોએ પ્રચાર કાર્ય સંભાળ્યું હતું તેઓ કરી શકે નહીં. પક્ષ છેલ્લાં એક વર્ષમાં નબળો કેવી રીતે થઈ ગયો છે તે પરાજયનું કારણ છે.
પોતાના પક્ષના નેતાઓ દ્રારા જ આકરી ટીકાનો ભોગ બની રહેલા ભાજપે આજે પોતાના તમામ નેતાઓ અને સભ્યોને વ્હિપ જારી કર્યો હતો. જેમાં જણાવાયું હતું કે બિહાર ચૂંટણી પરિણામો વિશે તેઓે બોલી શકશે નહીં. બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૧૫માં નબળા દેખાવ બદલ ટીકાનો ભોગ બની રહેલા ભાજપ મોવડીમંડળે પક્ષના નેતાઓને એવી પણ ચેતવણી આપી છે કે આ આદેશનું જે લોકો પાલન નહીં કરે તેમની સામે શિસ્ત અંગેના પગલાં લેવાશે.

બિહારના પરિણામો બહાર આવ્યા તેના એક દિવસ બાદ ભાજપના રિસાયેલા સાંસદ શત્રુઘ્ન સિંહાએ ગઈકાલે દાવો કર્યો હતો કે તેમને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર બનાવાયા હોત તો પક્ષ માટે બિહાર ચૂંટણીના પરિણામો અલગ જ હોત.  સિંહા બિહાર ચૂંટણીમાં ભવ્ય વિજય બદલ અભિનંદન આપવા માટે જનતા દળ (યુ)ના વડા નીતીશકુમારને પણ મળ્યા હતા અને જણાવ્યું હતું કે ભાજપના કારમા પરાજય માટે જવાબદાર લોકોને પાઠ ભણાવવો જોઈએ.

ભાજપ પર પ્રહારો કરતાં પક્ષના બિહારના સહયોગી હમાના નેતા જીતનરામ માંઝીએ જણાવ્યું હતું કે અનામતની સમીક્ષા માટેનું આરએસએસના વડા મોહન ભાગવતનું નિવેદન અને પાકિસ્તાનમાં ઉજવણીના ફટાકડા ફૂટશે તેવા ભાજપ અધ્યક્ષ અમિત શાહના નિવેદનો વિધાનસભા ચૂંટણીમાં એનડીએના રકાસ માટેના કેટલાક સંભવિત કારણો હોઈ શકે.

જોકે, નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પક્ષ પ્રમુખ અમિત શાહની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં રકાસ પાછળ આરએસએસના વડા મોહન ભાગવતનું અનામત અંગેનું નિવેદન નહીં પરંતુ મહાગઠબંધનની રચના જવાબદાર હતી.

You might also like